અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ને કોઈપણ ભારતીય ક્યારેય ભૂલી નહીં શકે. સતત 10 મેચ જીત્યા બાદ ભારત 11મી મેચ અને તે પણ ફાઈનલ હારી ગયું છે. 2003માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. આ ઈતિહાસનું પુનરાવર્તન 2023માં થયું છે. ભારત 1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ અને 2011નો વર્લ્ડ કપ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ જીત્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા 2023નો વર્લ્ડ કપ જીતીને સતત છઠ્ઠીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
ફાઈનલ મેચ ટિટ્સ બિટ્સઃ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શરુઆતની 5થી 8 ઓવર્સ ભારતની રમત ડોમિનન્ટ હતી, પરંતુ રોહિત શર્મા જે રીતે આઉટ થયો તે ભારત માટે કુહારાઘાત સાબિત થયો. એક કેપ્ટન તરીકે ભારત માટે આજે રનનો ખડકલો કરવો, 1983માં કપિલ દેવે રમેલ કેપ્ટન ઈનિંગ્સની આજે જરુર હતી. જો કે એક જોખમી શોટ રમીને રોહિતે મેચની શરુઆતમાં જ વિકેટ ગુમાવી દીધી. આ ટૂર્નામેન્ટમાં ભારત પહેલી વખત ઓલઆઉટ થયું. બીજા શબ્દોમાં કહીએ તો ભારત ઓસ્ટ્રેલિયા માટે ટફ ટાર્ગેટ સેટ કરવામાં નિષ્ફળ રહ્યું. ભારત તરફથી પાર્ટનરશિપમાં રનનો જે ખડકલો થવો જોઈએ તે થયો નહીં. પહેલી વિકેટની પાર્ટનરશિપ 30 રન, બીજી વિકેટની પાર્ટનરશિપ 46 રનની રહી. જો કે વિરાટ કોહલી અને કે એલ રાહુલે પાર્ટનરશિપમાં વધુ રન થાય તે માટે પ્રયત્નો કર્યા હતા. આ જોડીએ 67 રનની પાર્ટનરશિપ કરી હતી. આર અશ્વિનનો ટીમમાં સમાવેશ એક એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ બની રહેત કારણ કે ક્રિકેટ એક્સપર્ટના મતે ફાઈનલમાં આ સરપ્રાઈઝ એલિમેન્ટ બહુ મહત્વનું હોય છે. જો કે રોહિત શર્મા આમાં ચૂકી ગયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચની વાત કરવામાં આવે તો બીજી ઈનિંગ્સને આ પિચ ફાયદો પહોંચાડતી હોય છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર ટ્રેવરહેડે આ બાબતનો ફાયદો ઉઠાવ્યો. ભારતની હાર માટેના પ્રમુખ કારણોમાં પહેલી બેટિંગ, ડ્યુ ફેક્ટર, છઠ્ઠા બોલરની ખોટ તેમજ હરિફ કેપ્ટન પેટ કમિન્સે જે રીતે બોલર્સમાં પરિવર્તન કર્યુ તેનો સમાવેશ થાય છે.
પેટ કમિન્સની સ્ટ્રેટેજીસઃ પેટ કમિન્સે 'સ્ટિક ટુ બેઝિક્સ' થિયરી અપનાવી હતી. પેટ સમગ્ર મેચ દરમિયાન બેઝિકને વળગી રહ્યો હતો. કમિન્સે કવર અને એક્સ્ટ્રા કવર વચ્ચે વધુ જગ્યા રાખી. જેથી ઓસ્ટ્રેલિયન બોલર્સ ભારતીય બેટ્સમેનોને ફ્રન્ટફૂટ પર રમવા મજબૂર કરી શક્યા. આ સકંજામાં ગિલ પુલ શોટ રમવામાં ભૂલ કરી બેઠો. કમિન્સે ડિફેન્સિવ ફિલ્ડિંગને બદલે એટેકિંગ ફિલ્ડિંગનો વ્યૂહ અપનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શરુઆતમાં સ્પીનર્સને મોકો આપ્યો જેની સીધી અસર ભારતની બેટિંગ લાઈન અપ પર થઈ અને ભારતની વિકેટ એક પછી એક પડવા લાગી. ફાસ્ટર-સ્પીનરના કોમ્બિનેશન ઉપરાંત કમિન્સે બોલર્સના એન્ડ પણ બદલ્યા. જેનાથી બેટ્સમેન જે રીતે સેટલ થવા જોઈએ તે ન થઈ શકયા. જેને પરિણામે ગિલ, કોહલી વગેરે વહેલો શોટ રમીને આઉટ થઈ ગયા. જ્યારે ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું હતું ત્યારે ભારતે એટેકિંગ ફિલ્ડિંગને બદલે ડિફેન્સિવ ફિલ્ડિંગનો વ્યૂહ અપનાવ્યો જે નિષ્ફળ રહ્યો હતો.
હિસ્ટ્રી રીપીટ્સ ઈટ સેલ્ફઃ 2003માં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં ભારત હાર્યુ હતું. આ ઈતિહાસનું પુનરાવર્તન 2023માં થયું છે. ભારતીય ટીમના પ્લેયર્સ અને કરોડો દર્શકોને આશા હતી કે ઈતિહાસનું પુનરાવર્તન નહી થાય, પણ ઈતિહાસનું પુનરાવર્તન થયું અને ભારતના મોઢે આવેલો વર્લ્ડ કપનો કોળિયો છિનવાઈ ગયો. ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.