- WHOએ કોવેક્સિનને ઇમરજન્સી યુઝ માટે આપી મંજૂરી
- કોરોના સામે કોવેક્સિન 77.8 ટકા અસરકારક છે
- કોરોનાના નવા વેરિયન્ટ સામે 65.2 ટકા રક્ષણ આપે છે
નવી દિલ્હી: ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવિડ વિરોધી રસી 'કોવેક્સિન' (Covaxin)ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી માન્યતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, WHOએ 'કોવેક્સિન' માટે 'ઇમરજન્સી યુઝ (EUL)'ને મંજૂરી આપી દીધી છે.
રસી સલામત છે તેની ખાતરી કરવા મૂલ્યાંકન કરવું પડશે
અગાઉ WHOએ ભારત બાયોટેક પાસે ઈમરજન્સી ઉપયોગની યાદીમાં 'કોવેક્સિન'નો સમાવેશ કરવા માટે 'વધારાની સ્પષ્ટતા' માંગી હતી. કોવેક્સિનની EUL મંજૂરી અંગે વૈશ્વિક આરોગ્ય એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રસી સલામત અને અસરકારક છે તેની ખાતરી કરવા માટે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું પડશે.
ભારત બાયોટેક નિયમિતપણે ડેટા સબમિટ કરી રહ્યું છે
WHO ખાતે દવાઓ અને આરોગ્ય ઉત્પાદનોની પહોંચ માટેના સહાયક મહાનિર્દેશક ડો. મેરીયંગેલા સિમાઓએ ભૂતકાળમાં રસીના કટોકટીના ઉપયોગની સૂચિ આપવામાં કરવામાં વિલંબના પ્રશ્ન પર જણાવ્યું હતું કે, ભારત બાયોટેક નિયમિતપણે અને ખૂબ જ ઝડપથી ડેટા સબમિટ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, કંપનીએ છેલ્લે 18 ઓક્ટોબરે ડેટાનો બેચ સોંપ્યો હતો.
ભારતમાં 3 કોવિડ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
ઉલ્લેખનીય છે કે સ્વદેશી બનાવટની 'કોવેક્સિન' એ 3 કોવિડ રસીઓમાંથી એક છે જેને ભારતના ડ્રગ રેગ્યુલેટર તરફથી કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી છે અને તેનો ઉપયોગ કોવિશીલ્ડ અને સ્પુતનિક-વી સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યો છે.
નવા ડેલ્ટા વેરિયન્ટ સામે 65.2 ટકા અસરકારક
કોવેક્સિને લક્ષણયુક્ત કોવિડ-19 રોગ સામે 77.8 ટકા અસરકારકતા અને વાયરસના નવા ડેલ્ટા સ્વરૂપ સામે 65.2 ટકા રક્ષણ દર્શાવ્યું છે. કંપનીએ જૂનમાં કહ્યું હતું કે, તેણે ત્રીજા તબક્કાના ટ્રાયલમાંથી કોવેક્સિનની અસરકારકતાનું અંતિમ વિશ્લેષણ પૂર્ણ કર્યું છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરામાં જવાનો સાથે ઉજવશે દિવાળી: સૂત્રો
આ પણ વાંચો: પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી રંગ, શ્રીનગર-શારજાહ ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાની કહી દીધી ના