હરિયાણા : રેવાડી જિલ્લાના બાવલ વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ 13 વર્ષ બાદ ફરીથી જીવતો મળી આવ્યા છે. હકીકતમાં આ વૃદ્ધ વ્યક્તિ જીવિત જ હતા પરંતુ સરકારી રેકોર્ડમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આખરે 30 નવેમ્બર ગુરુવારના રોજ વૃદ્ધ વ્યક્તિ જીવિત હોવાનો પુરાવો પ્રકાશમાં આવ્યો8 હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સહકાર પ્રધાન ડો. બનવારી લાલ સહિત તમામ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ વૃદ્ધના ગામમાં પહોંચ્યા ત્યારે આ પુરાવો સામે આવ્યો હતો.
13 વર્ષથી સરકારી ચોપડે મૃત : સરકારી રેકોર્ડમાં વૃદ્ધ વ્યક્તિને મૃત જાહેર કરાયા હતા. જેના કારણે તેઓ છેલ્લા 13 વર્ષથી પરેશાન હતા. તે પોતાના જીવિત હોવાના પુરાવા રજૂ કરવા માટે સતત સરકારી કચેરીઓના ચક્કર લગાવતા હતા. સરકારી રેકોર્ડમાં મૃત જાહેર કરવામાં આવ્યા હોવાથી તેઓ સરકારી યોજનાઓથી પણ વંચિત હતા. જેના કારણે વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ચિંતિત રહેતા હતા અને તેમની વાત સાંભળનાર કોઈ નહોતું.
કેબિનેટ પ્રધાને વૃદ્ધને જીવિત જાહેર કર્યા : મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ ખેડા મુરાર ગામમાં પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વૃદ્ધ વ્યક્તિને જીવિત હોવાના પુરાવા મળ્યા હતા. યાત્રાનું ઉદ્ઘાટન કરવા આવેલા રાજ્યના સહકાર પ્રધાન ડો. બનવારી લાલે તેમને મંચ પર બોલાવ્યા અને જાહેરાત કરી કે તેઓ આજથી જીવિત થઈ ગયા છે. કારણ કે સરકારી રેકોર્ડમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
શું હતો મામલો ? દાતારામે પોતાના સ્તરે માહિતી એકઠી કરી ત્યારે તેમને ખબર પડી કે તેમના જ ગામના બિહારીલાલના પુત્ર દાતારામનું 13 વર્ષ પહેલા અવસાન થયું હતું, તેમની જગ્યાએ તેઓને રેકોર્ડમાં મૃત દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બીજા દાતારામ સેનામાં ફરજ બજાવતા હતા, જ્યારે આ દાતારામ ખેતીનું કામ કરે છે. આવી સ્થિતિમાં પુરાવા એકત્ર કર્યા પછી દાતારામ ફરીથી સરકારી કચેરીના ધક્કા ખાવા લાગ્યા પરંતુ કોઈ તેમને જીવતા માનવા તૈયાર નહોતું. દાતારામે તેમની ફરિયાદ ચંદીગઢ હેડક્વાર્ટરને મોકલી હતી. આ ફરિયાદનો જવાબ ચોક્કસપણે આવ્યો પરંતુ રેકોર્ડમાં તેઓને મૃત દર્શાવવામાં આવ્યા હતા.
ક્યારે જાણ થઈ ? રેવાડી જિલ્લાના બાવલ નગર હેઠળના ખેડા મુરાર ગામના રહેવાસી બિહારીલાલના પુત્ર દાતારામના જીવનમાં 58 વર્ષની ઉંમર સુધી બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ 13 વર્ષ પહેલા અચાનક સરકારી રેકોર્ડમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દાતારામને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ પેન્શનની સુવિધાઓ માટે સરકારી ઓફિસમાં જવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ પેન્શન મેળવવા માટે દસ્તાવેજો સાથે સરકારી કચેરીએ પહોંચ્યા ત્યારે કર્મચારીએ રેકોર્ડ તપાસીને જણાવ્યું કે સરકારી રેકોર્ડ મુજબ તેઓ મૃત છે. આ સાંભળીને દાતારામ પણ ચોંકી ગયા હતા. દાતારામ તેમની ફાઈલ લઈને અન્ય અધિકારીઓ પાસે ગયા પરંતુ ત્યાં પણ તેમને આવા જ જવાબ મળ્યા હતા.