- શિક્ષકો માટે કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
- Teacher Eligibility Test ની માન્યતા આજીવન કરાઈ
- અત્યાર સુધી પ્રમાણપત્રોની માન્યતા માત્ર 7 વર્ષની હતી
ન્યૂઝ ડેસ્ક : કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. Teacher Eligibility Test ( TET ) ના પ્રમાણપત્રની માન્યતા જે હાલ માત્ર 7 વર્ષની હતી, તે વધારીને આજીવન કરવામાં આવી છે. સરકારે આ નિર્ણય તત્કાલ અસરથી લાગુ કર્યો છે.
10 વર્ષમાં માન્યતા પૂર્ણ થઈ હોય તેવા શિક્ષકોને પણ લાભ
કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના નિવેદન અનુસાર આ નિર્ણય 10 વર્ષ અગાઉ એટલે કે 1 જાન્યુઆરી 2011થી લાગૂ કરવામાં આવ્યો છે. અર્થાત પાછલા 10 વર્ષમાં જે જે શિક્ષકોના પ્રમાણપત્રોની માન્યતા પૂરી થઈ હશે, તેમણે પણ હવે વારંવાર પરીક્ષાઓમાં ભાગ નહીં લેવો પડે. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, જે શિક્ષકોના પ્રમાણપત્રોની માન્યતા પૂર્ણ થઈ ગઈ છે. તે અંગે સંબંધિત રાજ્યો આવશ્યક કાર્યવાહી કરશે.
બેરોજગારી પણ ઓછી થશે : ડૉ. રમેશ પોખરિયાલ નિશંક
આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારોને લાભ થશે. આ એક સુધારાવાદી પગલું છે જેનાથી બેરોજગારી પણ ઓછી થશે.