લખનઉઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જે સંદર્ભે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આ માહોલને ખરાબ કરવા માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ગામમાં એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. જેને એટીએસ દ્વારા પકડી લેવાયું છે. કુલ 11 યુવકો આ ષડયંત્રમાં સામેલ છે. આ યુવકોએ કુરબાનીની તૈયારીઓ પણ કરી લીધી હતી. આ 11 યુવકોની સઘન પુછપરછ એટીએસ હેડક્વાર્ટરમાં કરવામાં આવશે, જે સંદર્ભે એટીએસ દ્વારા નોટિસ પણ બહાર પાડવામાં આવી છે.
જો કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી કર્યા બાદ દેશ વિરોધી તાકાતો કોઈ પર રીતે અયોધ્યાનું વાતાવરણ ખરાબ કરવા માટે ષડયંત્રોમાં લાગી ગઈ છે. તેથી જ યુપી એટીએસ દ્વારા પોતાનું સર્વેલન્સ અને નિરીક્ષણ સઘન કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ ઝીરો સુધી એટીએસ સર્વેલન્સ કરી રહી છે.
એટીએસને માહિતી મળી હતી કે અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ વાતાવરણ ખરાબ કરવા માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના છત્રપતિ સંભાજીનગરમાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી રહ્યા છે. જેમાં મિર્ઝા સૈફ બેગ, અબ્દુલ વાહિદ, યાસિર, જીયાઉદ્દીન સિદ્દીકી, થોર ભાન, એસકે ખાલીદ, તાહિર, હબીબ સહિત 11 યુવકોનો સમાવેશ થાય છે.
આ આરોપીઓ લોકોને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે તે માટે લોકોને કુરબાની આપવા ભડકાવતા હતા. માહિતી મળતા જ યુપી એટીએસની ટીમ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પહોંચી હતી. જો કે આ રેડની જાણ થતાં જ આ 11 આરોપીઓ નાસી છુટ્યા હતા. એટીએસ ટીમને તેમના ઘરેથી શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. તેઓ રામ મંદિરમાં 22મી જાન્યુઆરીના રોજ મોટું ષડયંત્ર રચી રહ્યા હોવાની જાણ પણ થઈ હતી. એટીએસ ટીમ તેમના ઘરે નોટિસ આપીને આવી છે. 11 યુવકોને એટીએસ હેડકવાર્ટરમાં પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જો આ યુવકો હેડકવાર્ટર નહિ આવે તો તેમની ધરપકડ કરવામાં આવશે.