રાંચીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે 30મી નવેમ્બરથી ઝારખંડના પ્રવાસે છે. તેમનો ઝારખંડ પ્રવાસ 2 દિવસનો રહેશે. તેઓ હજારીબાગમાં બીએસએફની રાઈઝિંગ ડે પરેડમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહના ઝારખંડના પ્રવાસને સંદર્ભે પોલીસ વિભાગ એલર્ટ મોડ પર છે. પોલીસ હેડ ક્વાર્ટર અમિત શાહના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યું છે.
આજે અમિત શાહ સાંજે 4.30 કલાકે રાંચી એરપોર્ટ પહોંચશે. અહીં તેઓ થોડોક સમય વિતાવ્યા બાદ સીધા બીએસએફના હેલીકોપ્ટરમાં હજારીબાગ જવા રવાના થશે. હજારીબાગના મેરુ કેમ્પમાં અમિત શાહ નાઈટ હોલ્ડ કરશે. તેઓ મેરુ કેમ્પમાં રાઈઝિંગ ડે પરેડમાં ઉપસ્થિત રહેશે. તેમના પ્રવાસ સંદર્ભે એરપોર્ટથી લઈને હજારીબાગ સુધી જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાંચી અને હજારીબાગની પોલીસ એલર્ટ મોડ પર છે.
1 ડિસેમ્બરે બીએસએફનો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે આયોજિત રાઈઝિંગ ડે પરેડ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે. અમિત શાહ બીએસએફ અધિકારીઓ સાથે મીટિંગ પણ કરવાના છે. પરેડ અને મીટિંગ બાદ શાહ હજારીબાગથી રાંચી પહોંશે. અહીં તેઓ 2.45 કલાકે દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે બીએસએફ પોતાનો 59મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે. હજારીબાગના મેરુ બીએસએફ કેમ્પમાં આ ઉજવણી ભવ્ય રીતે થવાની છે. પરેડમાં દરેક ફ્રન્ટિયર ટુકડીઓ ભાગ લેશે. જેમાં મહિલા ટુકડીઓ પણ હશે. તે ઉપરાંત મોટરસાયકલ ટીમ પણ અદભુત અને જોખમી સ્ટંટ કરશે. બીએસએફ માટે રાઈઝિંગ પરેડનું વિશેષ મહત્વ છે. 1 ડિસેમ્બર બીએસએફનો સ્થાપના દિવસ હોવાથી આ પરેડની તૈયારીઓ લાંબા સમયથી કરવામાં આવે છે.