નવી દિલ્હીઃ આજે ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની મત ગણતરી યોજાઈ હતી. જેમાં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો બહુમતી સાથે વિજય થયો છે. ડાબેરી મોરચાની પાર્ટીઓની સતત બીજી હાર માટે CPMએ ટિપરા મોથાને જવાબદાર ઠેરવ્યો છે. આ અંગે સીપીએમની સેન્ટ્રલ કમિટીના વરિષ્ઠ સભ્ય હન્નાન મોલ્લાએ કહ્યું કે અમારી હારનું મુખ્ય કારણ ટિપરા મોથા છે. પૂર્વ સાંસદ મોલ્લાએ કહ્યું કે ચૂંટણીના આવા પરિણામની અપેક્ષા નહોતી. તેમણે કહ્યું કે સીપીએમના કાર્યકર્તાઓએ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી મહેનત કરી છે.
ટીપરા મોથાના પ્રવેશથી ભાજપને ફાયદો: મોલ્લાએ કહ્યું કે હકીકતમાં ત્રિપુરામાં ભાજપ સરકાર આતંકનું વાતાવરણ બનાવી રહી છે અને તેઓએ અમારા હજારો કાર્યકરોને ખોટા કેસમાં ફસાવ્યા છે. તેમણે કહ્યું કે પાર્ટીને આ વખતે સારા પરિણામોની આશા હતી. મોલ્લાએ કહ્યું કે ચૂંટણીમાં ટીપરા મોથાના પ્રવેશથી ભાજપને ફાયદો થયો. ટિપરા મોથાએ સીપીએમની વોટ બેંકને વહેંચી દીધી હતી.
આ પણ વાંચો: ઇતિહાસ તૂટ્યો! NDPP ના હેકાની જખાલુ નાગાલેન્ડમાં પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા
મતોનું વિભાજન: સીપીએમ નેતાએ કહ્યું કે ઘણા મતવિસ્તારોમાં અમે ખૂબ જ નજીકના માર્જિનથી હારી ગયા છે. તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં જ્યાં અમને વિશ્વાસ હતો. ટિપરા મોથાએ અમારા મતોનું વિભાજન કર્યું. ચૂંટણી પરિણામો મુજબ ઘણા મતવિસ્તારોમાં ભાજપના ઉમેદવારોએ તેમના સીપીએમ હરીફોને 600થી 650થી ઓછા મતોથી હરાવ્યા હતા.
ત્રિપુરામાં ભાજપને બહુમતી: ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં ભાજપ ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ગયો છે. બીજી તરફ ડાબેરીઓ અને કોંગ્રેસનું ગઠબંધન બીજા સ્થાને અને ટીપરા ત્રીજા સ્થાને છે. હાલ તમામ પરિણામો જાહેર થયા બાદ પક્ષમાં નેતાની પસંદગી કરવામાં આવશે. આ સાથે જ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
ટિપરા મોથા પાર્ટી: ઉલ્લેખનીય છે કે રાજા પ્રદ્યોત દેબબર્માએ ચૂંટણી પહેલા એક નવી પાર્ટીની રચના કરી હતી, જેનું નામ ટિપરા મોથા પાર્ટી હતું. પ્રદ્યોત દેબબર્માએ પણ યુવાવસ્થામાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ યુવા મોરચામાં જોડાયા અને ત્રિપુરામાં આદિવાસી વર્ગ માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. તેઓ ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2019માં કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે ટિપરા મોથાની રચના કરી હતી.