પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં, એક પતિએ તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે તેના આફ્રિકન ગ્રે પોપટને પરત કરવાની માંગ કરી છે. જે તેણે લગ્ન પહેલા તેની પત્નીને ભેટ તરીકે આપી હતી. પતિ-પત્ની લગભગ ત્રણ વર્ષથી ભૂરા પોપટને લઈને લડતા હતા. આખરે પત્ની પોપટ આપવા રાજી થઈ અને છૂટાછેડા લઈ લેવાયા હતા.
લગ્ન પહેલાં, પતિએ તેની ભાવિ પત્નીને ભેટ તરીકે એક આફ્રિકન પોપટ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, તેઓએ વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ બંને વચ્ચેના સંબંધો સારા ન રહ્યા અને વારંવાર ઝઘડા થતા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. બંનેએ પુણેની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
અરજી દાખલ કર્યા બાદ પતિએ માંગણી કરી હતી કે 'મેં તને આપેલો આફ્રિકન પોપટ તું પરત કરીશ ત્યારે જ હું તને છૂટાછેડા આપીશ.' પરંતુ પત્નીએ આ માટે ના પાડી દીધી હતી. પતિ-પત્ની વચ્ચેનો આ વિવાદ લગભગ 3 વર્ષથી ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા વકીલ ભાગ્યશ્રી ગુજરે જણાવ્યું હતું કે પતિ-પત્ની બાળકો અને ભરણપોષણને લઈને ઘણીવાર ઝઘડા કરતા હોય છે.
તેણે કહ્યું કે મારી સામે આવેલા છૂટાછેડાના કેસમાં પતિ-પત્ની 'ગ્રે પોપટ'ને લઈને લડતા હતા. લગ્ન પહેલા પતિએ પત્નીને એક આફ્રિકન પોપટ ભેટમાં આપ્યો હતો. લગ્નના થોડા મહિનાઓ બાદ બંને વચ્ચે વધતા જતા વિવાદને જોતા પત્નીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. બંને છૂટાછેડા માટે તૈયાર હતા, પરંતુ છૂટાછેડા પહેલા પતિએ પત્નીને આપેલા આફ્રિકન પોપટની માંગણી કરી હતી.