- છત્તીસગઢના CMએ જવાનોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત
- શહીદ જવાનના પરિવારને 80 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
- છત્તીસગઢના નક્સલી વિસ્તાર બીજાપુર અને સુકમા જિલ્લામાં જવાનો પર થયો હતો હુમલો
રાયપુરઃ છત્તીસગઢ સરકાર બીજાપુરમાં નક્સલીઓની સાથેની અથડામણમાં શહીદ થયેલા રાજ્યના જવાનોના પરિવારજનોને 80 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ પરિવારના એક સભ્યને અનુકંપા નિયુક્તિ પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો 22 જવાનો શહિદ
આર્થિક સહાય ઝડપથી પહોંચાડવા CMનો આદેશ
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલે આર્થિક સહાયતા અને અનુકંપા નિયુક્તિની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે. આર્થિક સહાયતા અંતર્ગત રાજ્ય શાસન તરફથી વિશેષ અનુગ્રહ અનુદાન, સામુહિક વિકલ્પ વિશેષ અનુદાન, શહીદ સન્માન નિધિ, સમુહ વીમા રકમ અને આર્થિક સહાયતા રકમ આપવામાં આવશે. જ્યારે કેન્દ્રિય અર્ધસૈનિક બળના શહીદ પોલીસ અધિકારીઓ અને જવાનોને રાજ્ય તંત્ર તરફથી વિશેષ અનુગ્રહ અનુદાન અને સામુહિક વીમા વિકલ્પ વિશેષ અનુદાન રકમ તરીકે કુલ 45.40 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેશ બઘેલે નક્સલ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી
સુરક્ષા જવાનો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 22 જવાન શહીદ
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના નક્સલી વિસ્તાર બીજાપુર અને સુકમા જિલ્લાની સીમા પર શનિવારે સુરક્ષા જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળના 22 જવાન શહીદ થયા છે. જ્યારે 31 જવાન ઈજાગ્રસ્ત થયા છે. જોકે, હજી પણ 1 જવાન ગુમ છે, જેની તપાસ ચાલી રહી છે.