વિશ્વનાથઃ આજે આસામના વિશ્વનાથમાં એશિયાના સૌથી વૃદ્ધ હાથીનું અવસાન થયું છે. આ હાથીનું નામ અંગ્રેજ અમલદારે બિજુલી પ્રસાદ રાખ્યું હતું. સોનિતપુર જિલ્લામાં વિશ્વનાથ બેહાલી ટી એસ્ટેટમાં બિજુલી પ્રસાદનો વસવાટ હતો. અગાઉ આ હાથીને બરગાંવ ટી એસ્ટેટમાં રાખવામાં આવ્યો હતો. બિજુલી પ્રસાદ હાથીએ બ્રિટિશ રાજને પણ જોયું છે અને અંગ્રેજ અમલદારોની સેવામાં હતા. અગાઉ કર્ણાટકના એક વૃદ્ધ હાથી ચામુંડા પ્રસાદના મૃત્યુ બાદ બિજુલી પ્રસાદને એશિયાના સૌથી વૃદ્ધ હાથીનું બિરૂદ પ્રાપ્ત થયું હતું.
ટી કંપનીની શાન હતો આ હાથીઃ આ હાથીને વિલિયમસન મેગોર ટી કંપનીએ 86 વર્ષ પહેલા ખરીદ્યો હતો. એક ઓલિવર નામના અંગ્રેજ અમલદારે આ હાથીનું નામ બીજુલી પ્રસાદ રાખ્યું હતું. મેગોર ટી કંપનીમાં આ હાથી અત્યંત પ્રચલિત હતો. આ હાથી મેગોર ટી કંપનીની શાનનું પ્રતિક ગણાતો હતો.
બિજુલી પ્રસાદનો આહારઃ આ હાથીને રોજ 25 કિલો ભાત, મકાઈ આપવામાં આવતા હતા. તેના માટે કેળાની સ્પેશિયલ ગાડીઓ આવતી હતી.
સ્પેશિયલ હેલ્થ ચેકઅપઃ બિજુલ પ્રસાદ હાથી માટે સ્પેશિયલ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હાથી માટે મહાવતની એક આખી ટીમ કાર્યરત હતી. દર અઠવાડિયે બિજુલી પ્રસાદનું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું. તેના વજનની નોંધ રાખવામાં આવતી. આ હાથીનું હેલ્થ ચેક અપ વેટિનરી ડોક્ટર કુશલ કોંવર શર્માની દેખરેખ હેઠળ કરવામાં આવતી હતી. આ સમગ્ર હેલ્થ ચેક અપ રિપોર્ટ ટી કંપનીના કોલકાતા સ્થિત હેડક્વાર્ટરમાં મોકલવામાં આવતો. આ હાથીની સારસંભાળનો વાર્ષિક ખર્ચ 6 લાખ રૂપિયા હતો. આ ખર્ચ ટી કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો હતો.
એનિમલ લવર્સમાં શોકની લાગણીઃ આજે સવારે બિજુલી પ્રસાદના મૃત્યુના સમાચારથી સમગ્ર વિસ્તાર અને એનિમલ લવર્સમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બરગેંગ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા મૃતક હાથીના વિવિધ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.