- તાજમહેલમાં વિસ્ફોટકો હોવાની માહિતી મળતા તંત્રમાં દોડભાગ
- CISF અને સ્થાનિક પોલીસ દ્વારા પ્રવાસીઓને બહાર નિકાળવામાં આવ્યા
- તાજમહેલની સઘન તપાસ બાદ કોઈ વિસ્ફોટકો ન મળતા પોલીસ હવે કોલ કરનારની શોધખોળમાં
આગ્રા: તાજમહેલમાં બોમ્બ રાખ્યો હોવાના સમાચાર બનાવટી હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત તાજમહેલમાં વિસ્ફોટકો હોવાના અહેવાલો મળ્યા હતા, ત્યારબાદ તાજમહેલ બંધ કરાયો હતો. તાજમહેલના બંને દરવાજાઓને તાળા મારી દેવાયા હતા.
અજાણ્યા વ્યક્તિએ ફોન પર આપી હતી માહિતી
મળતી માહિતી મુજબ, વિસ્ફોટકો હોવાની જાણ એક અજાણ્યા વ્યક્તિએ ફોન દ્વારા આપી હતી. માહિતી મળતાની સાથે જ CISF અને સ્થાનિક પોલીસ એલર્ટ પર છે અને દરેક બાબતો પર નજર રાખી રહી છે. પોલીસ ફોન કોલ કરનારા વ્યક્તિની શોધખોળમાં લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર તાજમહેલની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહી છે. તાજમહેલ દેશની ઐતિહાસિક ધરોહર છે. વિશ્વના વિવિધ દેશોના લોકો તાજ જોવા માટે આગ્રા આવતા હોય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફોન કરનાર વ્યક્તિની લોકેશન ફિરોઝાબાદમાં આવી રહી હતી. જેને લઈને પોલીસ અને CISFને આ અંગે જાણ કરી દેવાઈ છે અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.