નવી દિલ્હી : દિલ્હીની તિહાર જેલમાં કેદ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર અવારનવાર પોતાની ચિઠ્ઠીના કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર આવી જ ચિઠ્ઠીને લઈને ચર્ચામાં આવ્યો છે. આ વખતે સુકેશ ચંદ્રશેખરે મીડિયા અને સોશિયલ મીડિયાને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં તેણે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના આરોપોનો જવાબ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે સુકેશ પર જેલમાંથી વોટ્સએપ અને વોઈસ મેસેજ મોકલીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે સુકેશે આ વાત પર સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું કે, તેણે જેકલીનને જેલની અંદરથી કોઈ વોટ્સએપ મેસેજ કે નોટ મોકલી નથી.
સુકેશે પત્રમાં લખ્યું છે કે, જો મેં આવી કોઈ ભૂલ કરી હોય તો સીબીઆઈ તપાસ કરાવી શકો છો. ત્યારબાદ જો મારી ભૂલ જણાય તો મારી સામે કાયદા મુજબ જે સજા થવા પાત્ર છે તે કરી શકો છો. સુકેશનું એમ પણ કહેવું છે કે, જે આંતરરાષ્ટ્રીય નંબરની વાત કરવામાં આવી રહી છે, તેના IP એડ્રેસ અને IMEI નંબર પરથી સરળતાથી જાણી શકાય છે કે તે કોનો નંબર છે અને ક્યાંનો છે.
સુકેશે કહ્યું કે 23 ડિસેમ્બરના રોજ હાજર થયા બાદ જેકલીન જાણીજોઈને તેની વિરુદ્ધ આવા સંદેશાઓ અને પત્રો વિશે મીડિયા અને સોશિયલ મીડિયાને જણાવી રહી હતી. જેલની અંદરથી વોટ્સએપ મેસેજ મોકલવાની વાત સાવ ખોટી છે. તેણે પોતાની લીગલ ટીમને આ મામલે વિગતવાર તપાસ માટે અરજી કરવા પણ સૂચના આપ્યું છે. તેણે પત્રમાં લખ્યું છે કે જેકલીન જે રીતે વર્તન કરી રહી છે તે માત્ર પોતાને પીડિત બતાવવા માટે છે. તેથી તે કોર્ટની સામે પણ પોતાને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
સુકેશે કહ્યું કે તું મને બદનામ કરવાનો ગમે તેટલો પ્રયાસ કરે કે મને કોઈ ષડયંત્રમાં ફસાવાની કોશિશ કરે, પરંતુ હું તને પાગલોની જેમ પ્રેમ કરતો રહીશ અને તું જ મારી દુનિયા છો. તેણે જેકલીનને એડવાન્સમાં નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી છે. જેકલીને દિલ્હીની કોર્ટમાં સુકેશ ચંદ્રશેખર દ્વારા લખવામાં આવેલા પત્રને જાહેર કરવાથી અટકાવવા માટે નિર્દેશ આપવા માંગ કરી હતી. જેક્લીને કોર્ટમાં કહ્યું કે સુકેશ તેને જેલની અંદરથી પત્ર લખતો હતો, જેનાથી તેની ઈમેજ ખરાબ થઈ રહી હતી.