નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મંગળવારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે સરકાર પર ખફા થઈ હતી. દિલ્હી સરકારે રજૂ કરેલ ઓડ-ઈવન યોજના વાયુ પ્રદૂષણ મુદ્દે કેટલી કારગત નીવડી તેવો સવાલ પણ સુપ્રીમ કોર્ટે પુછ્યો હતો. ન્યાયાધીશ એસ. કે. કોલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની સંયુક્ત બેન્ચે ઓડ-ઈવન યોજના પર મૌખિક ટિપ્પણી કરી હતી.
સંયુક્ત બેન્ચે જણાવ્યું કે આ યોજના કોઈ નક્કર પરિણામ આપી શકી છે કે પછી માત્ર દેખાડો છે. દિલ્હી સરકાર તરફથી હાજર થયેલા વકીલને બેન્ચે પુછ્યું કે જો મેટ્રો ના હોત તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર કેટલું હોત. ન્યાયાધીશ કોલે જણાવ્યું કે આ મુદ્દો વણસી ગયો છે, ભગવાન જાણે છે કે જો મેટ્રો ન હોત તો દિલ્હીની હવાનું શું થાત...જો કે હજૂ પણ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી એક મુદ્દો છે.
સ્મોગ ટાવર કાર્યરત ન હોવાનું જણાતા બેન્ચે સત્વરે તેને કાર્યાન્વિત કરવાના આદેશ કર્યા છે. બેન્ચે જણાવ્યું કે દિલ્હી અને પંજાબમાં એક જ પાર્ટી શાસન કરી રહી છે તો પછી ખેતરમાં લાગતી આગ પર કાબુ મેળવવામાં કઈ સમસ્યા નડી રહી છે. બેન્ચે રાજ્યોના મુખ્ય સચિવોને આવતીકાલે મળવા જણાવ્યું છે. આ મીટિંગ ઓનલાઈન પણ કરી શકાશે. આ કેસની આગામી સુનાવણી શુક્રવારે છે જેમાં દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ(ડીપીસીસી)ના પ્રમુખને હાજર રહેવા જણાવ્યું છે.
બેન્ચે દિલ્હી સરકારને રાષ્ટ્રીય રાજધાનીમાં અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા ઓરેન્જ નંબર પ્લેટવાળા વાહનો પર નિયંત્રણ કરવા જણાવ્યું છે. બેન્ચે કહ્યું કે એક તરફ સરકાર બાજરીને પ્રોત્સાહન આપી રહી છે જ્યારે બીજી તરફ પંજાબમાં આ ધાનથી ભૂગર્ભ જળને નુકસાન થઈ રહ્યું છે.
ન્યાયાધીશ કોલે કહ્યું કે, તેઓ તાજેતરમાં પંજાબની મુલાકાતે ગયા હતા. તેમણે અનેક ખેતરોમાં આગ લાગેલી જોઈ હતી. પાકને સળગાવવાની દરેક ઘટના માટે સ્થાનિક SHOની જવાબદારી નક્કી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના સંબંધે એક અરજી પર સુનાવણી કરી રહી હતી ત્યારે તેણે આ સવાલો કર્યા હતા. આ મામલે આગામી સુનાવણી શુક્રવારે થવાની છે.