- મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની ઘટના
- સરકારી હોસ્પિટલના ICUમાં લાગી આગ
- આગના કારણે 11 દર્દીઓના મોત, 6 ગંભીર
મહારાષ્ટ્ર: અહેમદનગર જિલ્લાની સરકારી હોસ્પિટલના ICUમાં આજે શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે આગ લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગના કારણે કોરોનાની સારવાર મેળવી રહેલા 11 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 6 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગી તે સમયે વોર્ડમાં 17 દર્દીઓ હતા દાખલ
અહેમદનગર જિલ્લા હોસ્પિટલના ICU વિભાગમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. તે સમયે ICU વોર્ડમાં કુલ 17 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા. જેમાંથી મોટાભાગના વરિષ્ઠ નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તબક્કે વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ચોક્કસ કારણ તો તપાસ બાદ જ જાણવા મળશે.
ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
બનાવની જાણ થતા પોલીસ, સ્થાનિક પ્રશાસન સહિત ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમણે આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા ઘટનાસ્થળે
બનાવના પગલે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ રાજકારણીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર ભોસલેએ આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 દર્દીઓના મોતની પુષ્ટિ કરી હતી. જોકે, સૂત્રોના મુજબ આ આંકડો વધી શકે તેમ છે.
જવાબદારો સામે પગલા લેવા ધારાસભ્યની માગ
અહેમદનગરના એક ધારાસભ્ય સંગ્રામ જગતાપે ઘટનાસ્થળની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, આગ અને લોકોના મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ, ડોક્ટરો, મ્યુનિસિપલ ઓડિટ અધિકારીઓ વિરૂદ્ધ કડક પગલા લેવા જોઈએ.