મધ્યપ્રદેશ : કથિત યુરિન કાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સૌપ્રથમ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ સ્થાનિક BJP ધારાસભ્ય કેદાર શુક્લાએ આરોપી પ્રવેશ શુક્લા BJP સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બીજેપીના નેતાઓએ આ મુદ્દે વાત કરી ન હતી. પછીથી પ્રવેશ શુક્લાની નિમણૂકની તસવીરો અને ભાજપના મોટા નેતાઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ નિવેદન આપ્યું હતું કે, ગુનેગારની કોઈ જાતિ કે ધર્મ હોતી નથી.
શું હતી ઘટના : શિવરાજ સરકારે આરોપીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપી મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે દશમતને ખાસ મહેમાન તરીકે સીધા ભોપાલ બોલાવવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને તેમના પગ ધોઈને તેમને ભેટીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યપ્રધાને દશમતની માફી પણ માંગી તેમને સુદામા (મિત્ર) કહ્યા હતા. CMને મળ્યા બાદ દશમતને સરકારી વાહનમાં તેમના ગામ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે પીડિત તેના ગામમાં પહોંચ્યો ત્યારે તેનું નિવેદન સાવ અલગ હતા. ચાલો જાણીએ શું કહ્યું દશમતે..
દશમતનું નિવેદન : આ અંગે દશમતે કહ્યું કે, આ ઘટના 2020 ની છે. અમે દુકાનની બહાર ગુટખા ખાતા બેઠા હતા. ત્યારે પ્રવેશ શુક્લા આવ્યો અને તેણે પેન્ટની ચેન ખોલી અને મારા પર પેશાબ કર્યો હતો. અમે તેને જોયો પણ નથી કે તે કોણ છે અને કેવો છે. જ્યારે આખી જનતા બોલવા લાગી ત્યારે પણ અમે સ્વીકારતા ન હતા કે આ અમારો વીડિયો છે. અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પણ અમે કહ્યું કે આ અમારો વિડીયો નથી. અમે કલેક્ટરને પણ કહ્યું હતું કે, આ અમારો વિડીયો નથી, આ પ્રવેશ શુક્લાએ અમને જાતે જ ફસાવ્યા છે.
વિડીયો જોયા પછી પણ અમને વિશ્વાસ ન હતો કે તે અમે છીએ. પરંતુ જ્યારે પ્રવેશ શુક્લા પોતે જ કહી રહ્યા છે કે તેણે અમારા પર પેશાબ કર્યો છે. પેશાબ કાંડની ઘટનાના દિવસે મને કઈ ભાન નહોતું. કારણ કે મારી તબિયત સારી ન હતી અને મે દવા લીધી હતી. તેથી મને કંઈ યાદ નથી.-- દશમત (પીડિત)
કંઈક ગરબડ હતી : આ સિવાય દશમતે એફિડેવિટ વિશે કહ્યું હતું કે, આ અમે બનાવ્યું નથી. પ્રવેશ શુક્લાના કાકા વિદ્યા શુક્લાએ મને સીધા ચાલવાનું કહ્યું, મને લાગ્યું કે મને સીધા જવામાં કોઈ વાંધો નથી. જ્યારે ત્યાં ગયા તો વિદ્યા શુક્લા કોમ્પ્યુટર વાળા વ્યક્તિ પાસે લઈ ગયા. બંને બાજુથી કુલર ચાલુ હતા અને પંખા પણ અવાજ કરી રહ્યા હતા. તેથી મને કંઈ સંભળાતું નહોતું. પાછી મને કાગળ પર અંગૂઠાની છાપ મૂકવાનું કહેવામાં આવ્યું કે તરત હું સમજી ગયો કે કંઈક ગરબડ થવાની છે.
કોંગ્રેસના ચાબખા : હાલમાં કોંગ્રેસ દશમતના નિવેદનને લઈને શિવરાજ સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, કોઈ બીજાના પગ ધોવાનું નાટક કર્યું. શું સાચો પીડિત ગુમ છે ? આટલું મોટું ષડયંત્ર પછી મધ્યપ્રદેશ તમને માફ નહીં કરે. આ સિવાય બીજેપી સરકારમાં પૂર્વ મંત્રી રહેલા કુસુમ મેહદલેએ પગ ધોવાને એક ખેલ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેવી યુક્તિઓ થઈ રહી છે. દારૂડિયાઓના પગ ધોવાઈ રહ્યા છે, તેમને લાખો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જોકે, બાદમાં તેણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
રાજકીય અસરો : વિંધ્યમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઘણી બેઠકો મેળવી હતી. પરંતુ આ વખતે રાજકીય પંડિતો મુજબ આદિવાસી યુરિન કાંડ ભાજપ માટે ભારે પડી રહ્યો છે. આરોપીના ઘરનો એક ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવતા બ્રાહ્મણ સમાજ મેદાનમાં આવી ગયો છે. ઉપરાંત તેઓ સરકારને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે.