ન્યૂઝ ડેસ્ક : સત્યાગ્રહને સફળતા મળે એ માટે ગાંધીજીએ લાંબા સમય પહેલાથી તૈયારીઓ શરૂ કરી હતી. વર્ષ 1922માં ચોરીચૌરા હત્યાકાંડ બાદ અસહકાર આંદોલન પડતું મુકાતા બારડોલી સત્યાગ્રહને (Bardoli Satyagraha History) પણ હાલ પૂરતો મોકૂફ રાખવાનું નક્કી થયું હતું, પરંતુ લોકોને સત્યાગ્રહ માટે તૈયાર કરવા મહાત્મા ગાંધીએ લાંબા ગાળાનું આયોજન કર્યું હતું. તેમણે બારડોલી સ્વરાજ આશ્રમના નેજા હેઠળ તાલુકાના અલગ અલગ ગામોના આશ્રમ ખાતે છાવણીઓ સ્થાપવામાં આવી હતી. જેમાંની એક છાવણી સરભોણમાં સ્થાપવામાં આવી હતી. સરભોણ એ બારડોલીના વિકલ્પ તરીકે ઉપસી આવ્યું હતું. જો કે અહીં સ્થાપવામાં આવેલો આશ્રમ આજે પણ દયનીય હાલતમાં છે. ત્યારે ચાલો આજે મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ (Shaheed Diwas 2022) પર શું છે આ આશ્રમનો ઇતિહાસ...
આશ્રમમાં વિવિધ પવૃત્તિઓ કરવામાં આવતી હતી
બારડોલી તાલુકામાં બારડોલી બાદ બીજું મહત્વનું સ્થાન સરભોણ ગામનું હતું. બારડોલી સત્યાગ્રહના જાણકાર પ્રજ્ઞાબેન ક્લાર્થીએ જણાવ્યું હતું કે, 1922માં અસહકાર આંદોલન બંધ રહેતા ગાંધીજીએ આઝાદીના લડવૈયાઓને ગામડે જવા આહવાન કર્યું હતું. ગાંધીજીના આ આહવાનના પગલે તે સમયના બારડોલી વિસ્તારના જુગતરામ દવે, ઉત્તમચંદ શાહ, છોટુભાઈ દેસાઈ, ડૉ. ત્રિભુવનદાસ શાહ, ડૉ. મંગલદાસ, નરહરિ પરીખ સહિતના આગેવાનોએ સરભોણમાં ધામા નાખ્યા હતા. જ્યાં આશ્રમ ખાતે આ નેતાઓ દ્વારા પ્રૌઢ શિક્ષણ, રાત્રી શિક્ષણ, વણાટ શાળા, વ્યસનમુક્તિ અને આંગણવાડી જેવા રચનાત્મક કામો શરૂ કર્યા હતા. આ કામો થકી ગામડાના ખેડૂતો ઉપરાંત રાનીપરજ (આદિવાસી)ઓ માટે શિક્ષાની જ્યોત જગાવી હતી.
આ પણ વાંચો: ગાંધી અને આંબેડકર વચ્ચેના સંબંધોઃ માન્યતા અને હકીકત
સત્યાગ્રહીઓના પરિવારને સરભોણમાં આશરો અપાતો
સરભોણ એ રચનાત્મક કાર્ય માટે બારડોલીના વિકલ્પ તરીકે વિકસ્યું હતું. બારડોલી સત્યાગ્રહ વખતે આશ્રમમાં રહેતા સત્યાગ્રહીઓ સામે અંગ્રેજ સરકાર કાર્યવાહી કરે તો તેમના પરિવારને સરભોણ આશ્રમમાં આશરો આપવામાં આવતો હતો. એટલું જ નહીં તે સમયે બારડોલીના સ્વરાજ આશ્રમને પણ અનેક વખત સીલ કરવામાં આવતો હતો ત્યારે ત્યાં રહેતા પરિવારો પણ સરભોણમાં રહેતા હતા.
જનજાગૃતિ માટે પત્રિકા પ્રસિદ્ધ થતી હતી
સરભોણમાં રહેતા સત્યાગ્રહીઓ દ્વારા આઝાદી માટેની પત્રિકા પણ અહીંથી પ્રસિદ્ધ કરી લોકોને જાગૃત કરવાની મહત્વની કામગીરી કરવામાં આવતી હતી. જેના કારણે લોકોને આંદોલનમાં જોડવામાં મોટી કામયાબી મળી હતી.
સરભોણ રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું
આ આશ્રમમાં ડૉ. ત્રિભુવનદાસ અને ડૉ. મંગળદાસ દવાખાનું પણ ચલાવતા હતા. તેઓ આદિવાસી પ્રજાના આરોગ્યની ચિંતા કરતા હતા. બારડોલી બાદ સરભોણ રચનાત્મક કામોનું કેન્દ્ર બન્યું હતું.
આ પણ વાંચો: બિરલા હાઉસ જ્યાં બાપુની સ્મૃતિઓ આજે પણ હયાત છે!
જાળવણીના અભાવે જર્જરિત છે આશ્રમ
આશ્રમની મુલાકાત ગાંધીજી અને સરદાર પટેલે પણ લીધી હતી. જો કે 1921માં સ્થપાયેલ સરભોણ આશ્રમની જાળવણીના અભાવે તે હાલ જર્જરિત હાલતમાં છે. હાલ આ આશ્રમની પાછળની બાજુ હળપતિ સેવા સંઘ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ચાલે છે. જેમાં સુરત, તાપી નર્મદા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી બાળકો શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે.
અહીં સહકારી મંડળીની ઓફીસ કાર્યરત છે
બારડોલીને હેરિટેજ સર્કિટમાં સામેલ કરવામાં આવ્યું છે. જેને કારણે સ્વરાજ આશ્રમનો તો વિકાસ થઇ રહ્યો છે. પરંતુ બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવા માટે અલગ અલગ ગામોમાં બનાવવામાં આવેલા આશ્રમો આજે જર્જરિત થઈ ગયા છે. જાળવણીના અભાવે સરભોણનો આશ્રમની હાલત પણ જર્જરિત છે. આ આશ્રમમાં હાલ સરભોણ વિભાગ વિવિધ કાર્યકારી આપબલ સહકારી મંડળીની ઓફીસ કાર્યરત છે.
આ પણ વાંચો: ગાંધીજીને ચરખો ચલાવતા શીખવનાર ગુજરાતના પનોતા પુત્ર રામજી બઢિયા
લોકોને સંગઠીત કરવા સ્થાપયો હતો આશ્રમ
સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખાભાઈ ઝવેરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજીએ વિસ્તારમાં ખેડૂતોની સમસ્યાઓની સાથે હળપતિ સમાજ અને અન્ય આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે અલગ અલગ વિસ્તારોમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું હતું. તે સમયે સ્વરાજ આશ્રમના નેજા હેઠળ સરભોણ સહિત અલગ અલગ વિસ્તારોમાં આશ્રમો સ્થાપવામાં આવ્યા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે લોકોને સંગઠીત રાખવા માટે આ આશ્રમ શાળાનો મહત્વનો ફાળો રહ્યો હતો.