કાશી : ઉત્તરપ્રદેશમાં હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં 4 સોમવાર આવે છે. પરંતુ, આ વખતે શ્રાવણ મહિનામાં આઠ સોમવાર છે. કારણ કે, અધિક માસની શરૂઆત સાથે વધારાના ચાર સોમવારના કારણે શ્રાવણ વધુ વિશેષ બની રહ્યો છે. આ બધાની વચ્ચે શ્રાવણ સોમવારે જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની સંખ્યા વધી રહી છે.
વરસાદ છતાં હજારોની સંખ્યામાં પહોંચ્યાં ભક્તો : પહેલાં સોમવારે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. કાશીમાં રવિવારની રાતથી વરસાદ પડી રહ્યો છે છતાં પણ, જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવનાં દર્શન માટે મંદિરમાં સોમવારને લઇને ભક્તોની ભારે ભીડ જામી છે.
શ્રાવણીયા સોમવારે ભીડ : રવિવારે સવારે મંગળા આરતી બાદ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર રામ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. શ્રાવણીયા સોમવારે ભીડને ધ્યાનમાં રાખીને સોમવારે માટે તમામ પ્રકારની ટિકિટો અને આરતીની ટિકિટો રદ કરવામાં આવી હતી. ભારે ભીડને જોતા વિશ્વનાથ મંદિર વિસ્તારમાં અલગથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
મંદિર તરફના ટ્રાફિકનું નિયંત્રણ સઘન : કાશી હાઇવે પર કાવડીયાઓ માટે એક આખી લાઇન આરક્ષિત કરવામાં આવી છે જેથી પ્રયાગરાજ રૂટથી આવતા કાવડીયાઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશતી વખતે સમસ્યાઓથી બચવા માટે અલગ અલગ સ્થળોએ રૂટ ડાયવર્ઝન યોજના અમલમાં મુકવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ કરવા ઉપરાંત વહેલી તકે તેમને જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત થઇ જાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
કતારમાં ઉભેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 15 મિનિટની અંદર કતારમાં ઉભેલા લોકોને દર્શન કરાવ્યાં બાદ બીજા ગેટથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભીડ વધુ એકઠી ન થાય તે માટે તમામ અલગ અલગ દરવાજાઓથી જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારે મંગળા આરતીની સમાપ્તિ બાદ દર્શનની પ્રક્રિયા અવિરત ચાલી રહી છે. આ આખો દિવસ ચાલશે... સુનીલ વર્મા(મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)
કાવડીયાઓ પર ફૂલોની વર્ષા : આ ઉપરાંત કાશીના અન્ય શિવ મંદિરોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને દર્શન પૂજાની પ્રક્રિયા ચાલી રહી છે. ગત સોમવારે યોગી સરકાર વતી હેલિકોપ્ટર દ્વારા કાવડીયાઓ પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. આ સાથે વિશ્વનાથ મંદિર પ્રશાસને પણ કાવડીયાઓ પર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. હાલમાં કાશી વિશ્વનાથ મંદિરની અંદર અને કેટલાક ભાગોમાં કાવડીયાઓ માટે લાલ જાજમ પણ બિછાવી દેવામાં આવી છે. તેમનું ભવ્ય સ્વાગત કરવા સાથેે દર્શન પૂજનમાં કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.