નવી દિલ્હીઃ સનાતન ધર્મ સંબંધે નિવેદનબાજીને લઈને મદ્રાસ હાઈકોર્ટના વકીલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. વકીલે તમિલાનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન, પીટર અલ્ફાંસો, એ. રાજા અને થોલ થિરુમાવલવન વિરૂદ્ધ એફઆઈઆર કરવાની માંગણી કરી છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલ બી.જગન્નાથે તો સુપ્રીમમાં અરજી પણ દાખલ કરી દીધી છે. તેમણે 2 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાયેલી સનાતન ધર્મ ઉન્મૂલન સમ્મેલન બેઠકની યોગ્ય તપાસ થાય તેવી માંગણી પણ કરી છે.
પોલીસ પરવાનગીની તપાસઃ બી.જગન્નાથે સુપ્રીમને વિનંતી કરી છે કે રાજ્યની એક પણ સરકારી શાળામાં હિન્દુ ધર્મ વિરૂદ્ધ કોઈ સમ્મેલન ન યોજાય તેવો આદેશ કરો. આવા સમ્મેલનોમાં પોલીસ પરવાનગી લેવાઈ છે કે નહીં તેનો રિપોર્ટ પોલીસ તાત્કાલિક રજૂ કરે તેવા આદેશની પણ માંગણી કરાઈ છે.અરજીમાં પુછવામાં આવ્યું છે કે સનાતન ધર્મ ઉન્મૂલન સમ્મેલન નામક આ બેઠક માટે જવાબદાર સંગઠન અને આરોપીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી.
મૌલિક અધિકારોનું હનનઃ અરજીમાં તમિલનાડુના ગૃહ સચિવ અને પોલીસ વડાને સુપ્રીમ કોર્ટના 2018ના હેટ સ્પીચ મુદ્દે આપેલા નિર્ણય અનુસાર કાર્યવાહી કરવા માટે નોડલ અધિકારીની નિમણુક કરવાની માંગણી કરાઈ છે. અરજીકર્તા જણાવે છે કે આરોપીઓએ મૌલિક અધિકારોનું હનન કર્યું છે. તેથી તેઓ સુપ્રીમ કોર્ટમાં વર્તમાન રિટ અરજી દાખલ કરી રહ્યા છે. આ સમ્મેલનના શિર્ષક પરથી જ ખબર પડે છે કે એક ખાસ ધર્મના ઉન્મૂલન માટે આ સમ્મેલન યોજવામાં આવ્યું છે. જો પોલીસે આ સમ્મેલનની પરવાનગી આપી હોય તો શા માટે આપી, શું આ પરવાનગી આપવા પાછળ કોઈ રાજકીય હસ્તક્ષેપ થયો છે. તે સુપ્રીમ કોર્ટમાં જણાવવું રહ્યું.
વિનીત જિંદાલે પણ સુપ્રીમમાં કરી અરજીઃ આ મામલાની સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું કે વકીલ દ્વારા તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી છે. જો કે આ અરજી તાત્કાલિક ઉલ્લેખની સૂચિમાં ન આવતી હોવાથી સત્વરે સુનાવણી થવી સંભવ નથી. સીજેઆઈએ જણાવ્યું કે અહીં એક નિશ્ચિત SOP છે જેનું દેરક જણે પાલન કરવું પડશે. વિનીત જિંદાલ દ્વારા પણ ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરૂદ્ધ ધર્મ વિરૂદ્ધ નફરત ફેલાવવા બદલ એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.