મુંબઈ : બોમ્બે હાઈકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 2018 ની રાહુલ ગાંધીની કથિત અપમાનજનક ટિપ્પણીને લગતી માનહાની ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે. આ સંબંધમાં બોમ્બે હાઈકોર્ટે બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વ્યક્તિગત હાજરીથી આપવામાં આવેલી વચગાળાની રાહતની મુદત 26 જૂન સુધી લંબાવી છે. આ અવધીને સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાનો દાવો કરનાર ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, રાફેલ ફાઈટર જેટ ડીલના સંદર્ભમાં રાહુલ ગાંધીની કમાન્ડર-ઈન-થીફની ટિપ્પણી બદનક્ષી સમાન છે.
સુનાવણી મુલતવી : જસ્ટિસ એસ. વી. કોટવાલની સિંગલ બેન્ચે 2021 માં સ્થાનિક કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ આપવામાં આવ્યા હતા. જેને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી 26 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી. જસ્ટિસ કોટવાલે કહ્યું કે, અગાઉ આપવામાં આવેલી વચગાળાની રાહત ત્યાં સુધી ચાલુ રહેશે. ફરિયાદીના વકીલે સમય માંગ્યા બાદ રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
શું હતો મામલો : સ્થાનિક કોર્ટે મહેશ શ્રીમલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાની ફરિયાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. રાફેલ ફાઈટર જેટ સોદાના સંદર્ભમાં 2018 માં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ગાંધીની કમાન્ડર-ઇન-થીફ સંબોધનની ટિપ્પણી માટે કોંગ્રેસના નેતા સામે માનહાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીની અરજી : ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમની સામે જારી કરાયેલા સમન્સને પડકારતાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટે મેજિસ્ટ્રેટને માનહાની ફરિયાદ પર સુનાવણી નવેમ્બર 2021 માં મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેનો અર્થ એ થયો કે કોંગ્રેસના નેતાને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાની જરૂર રહેશે નહીં.
ફરિયાદીનો આરોપ : રાહુલ ગાંધીની અરજી પરની સુનાવણી સમયાંતરે સ્થગિત કરવામાં આવી છે. તેમને આપવામાં આવેલી વચગાળાની રાહતની મુદત પણ લંબાવવામાં આવી છે. મેજિસ્ટ્રેટે ઓગસ્ટ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, કોંગ્રેસ નેતાએ હાઈકોર્ટ સમક્ષની તેમની અરજીમાં દાવો કર્યો હતો કે, તેમને જુલાઈ 2021 માં આ અંગે જાણ થઈ હતી. ફરિયાદીનો આરોપ છે કે, સપ્ટેમ્બર 2018 માં ગાંધીએ રાજસ્થાનમાં રેલી કરી હતી. તે દરમિયાન તેમણે મોદી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા.
રાહુલ ગાંધીની ચાબખા : રાહુલ ગાંધીએ એડવોકેટ કુશલ મોર મારફત દાખલ કરેલી તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ફરિયાદ વ્યર્થ મુકદ્દમાનું ઉદાહરણ છે. જે ફરિયાદીના પાછલા રાજકીય એજન્ડાને આગળ વધારવાના એકમાત્ર ઉદ્દેશ્યથી પ્રેરિત છે. કોંગ્રેસના નેતાએ મેજિસ્ટ્રેટના આદેશને બાજુ પર રાખવા અને અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી કાર્યવાહી પર રોક લગાવવાની વિનંતી કરી હતી.