હૈદરાબાદ: કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજથી બસ પ્રવાસ સાથે તેલંગાણામાં 30 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની શરૂઆત કરશે. AICCના બંને નેતાઓ બપોરે 3:30 વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા બેગમપેટ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રામાપ્પા મંદિર જવા રવાના થશે.
મહિલાઓ અને ખેડૂતો સાથે કરશે વાતચીત: પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ બંને બસ દ્વારા મુસાફરી શરૂ કરશે અને બાદમાં એક રેલીને સંબોધશે. આ દરમિયાન મહિલાઓ સાથે વાતચીત પણ કરશે. રેલી બાદ પ્રિયંકા ગાંધી નવી દિલ્હી પરત ફરવાના છે જ્યારે રાહુલ પ્રચારમાં વ્યસ્ત રહેશે. તેલંગાણાની તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી બોધનમાં નિઝામ સુગર ફેક્ટરીની મુલાકાત લેશે અને અરમૂરમાં હળદર અને શેરડીના ખેડૂતો સાથે વાતચીત કરશે.
તેલંગાણામાં ત્રણ દિવસનો કાર્યક્રમ: મુલુગુના કોંગ્રેસના ધારાસભ્ય દાનસારી અનસૂયા, જેઓ સીતાક્કા તરીકે જાણીતા છે, તેમણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધી આજે રાત્રે ભૂપાલપલ્લીમાં રોકાશે. તેઓ સાંજે 4.30 વાગે રામાપ્પા મંદિર પહોંચશે અને લગભગ 5 વાગ્યાની આસપાસ જનસભાને સંબોધશે. તેમણે કહ્યું કે આ પછી ભૂપાલપલ્લી (લગભગ 30 કિમી) સુધી બસની મુસાફરી થશે.
- 18 ઓક્ટોબરથી 3 દિવસની યાત્રા આઠ મતવિસ્તારોને આવરી લેશે. રાહુલ ગાંધી રાજ્ય સંચાલિત માઈનિંગ કંપનીના કામદારોને મળશે.
- 19મી ઓક્ટોબરે સિંગરેની કોલિરી, પેદ્દાપલ્લી અને કરીમનગર (નાઇટ હોલ્ટ) ખાતે જાહેર સભાઓમાં હાજરી આપશે.
- 20 ઓક્ટોબરે તેઓ જગતિયાલમાં ખેડૂતોની બેઠકમાં ભાગ લેશે. આ પછી તેઓ અરમુર અને નિઝામાબાદ સહિત અન્ય સ્થળોએ કાર્યક્રમોમાં ભાગ લેશે.