- મોદી સરકારને મોંઘવારી મુદ્દે ફરી ઘેરતાં રાહુલ ગાંધી
- એલપીજી ગેસના સતત ભાવવધારાને લઇને કર્યું ટ્વીટ
- 'મોદીજીનું વિકાસ વાહન રિવર્સ ગિયરમાં છે અને બ્રેક્સ પણ ફેઇલ છે' : રાહુલ
નવી દિલ્હીઃ કોંગ્રેસના ( Congress ) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) દેશમાં પેટ્રોલિયમ પેદાશો અને એલપીજી ગેસના ભાવ વધારા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( PM Modi ) ટીકા કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના વિકાસના દાવા વાસ્તવિકતાથી દૂર છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું છે કે વડાપ્રધાનનો વિકાસ હજુ પણ જુમલા જેવો છે અનેે વાસ્તવિકતાથી દૂર છે. વિકાસની મજાક તો દૂર, લાખો પરિવારો ચૂલો પેટાવવા માટે મજબૂર છે. મોદીજીનું વિકાસ વાહન રિવર્સ ગિયરમાં છે અને બ્રેક્સ પણ ફેઇલ છે.
દેશના લોકોના દૈનિક બજેટ પર અસર
પેટ્રોલિયમ પેદાશોની સતત વધી રહેલી કિંમતો અને વધતી જતી મોંઘવારી માટે રાહુલ ગાંધી (Rahul Gandhi ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની સતત ટીકા કરી રહ્યા છે. માર્ચ મહિનાથી દેશમાં ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મોંઘવારી પણ સતત વધી રહી છે. વધતી જતી મોંઘવારીથી દેશના સામાન્ય લોકોના દૈનિક બજેટ પર પણ અસર પડી છે, જેના કારણે દેશના સામાન્ય લોકો પરેશાન છે અને તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. એલપીજીના ભાવમાં વધારો થયા બાદ ગરીબી રેખા નીચે જીવતા લોકોએ રસોઈ માટે ગેસની જગ્યાએ ચૂલાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
ઈંધણના ભાવ મુદ્દે કોંગ્રેસનો રાજનૈતિક હુમલો
વધતી મોંઘવારીના વિરોધમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ( Congress ) મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં સીએમ જયરામ ઠાકુરે ભાજપની હાર માટે વધતી મોંઘવારીને જવાબદાર ગણાવી હતી. કેન્દ્ર સરકારે પણ ઈંધણના વધતા ભાવને અંકુશમાં લેવા માટે દિવાળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પરના ટેક્સમાં ઘટાડો કરીને લોકોને થોડી રાહત આપી છે, પરંતુ વર્તમાન સમયે તેમાં વધુ ઘટાડો કરવાની જરૂર છે. જો ઇંધણના ભાવમાં ઘટાડો નહીં થાય તો દેશમાં મોંઘવારી બેકાબૂ બની શકે છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે.
આ પણ વાંચોઃ NDA શાસિત રાજ્યોમાં પેટ્રો પ્રોડક્ટ્સ પર ટેક્સ કાપ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે રાહ
આ પણ વાંચોઃ કોંગ્રેસે પેટાચૂંટણીના પરિણામોના વિશ્લેષણ માટે રાજ્યો પાસેથી માંગ્યો વિગતવાર રિપોર્ટ