- યમુના એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત
- 100 પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ પલટી
- 14 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક ખાનગી બસ અકસ્માતની ચપેટમાં આવી ગઈ છે. આ અકસ્માતમાં 14 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. બસમાં 100 જેટલા પ્રવાસીઓ હતા. આગ્રાના ખંદૌલી વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
બસના ડ્રાઈવરે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા પૂરઝડપે જઈ રહેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં કોઈના મોત નિપજ્યા નથી. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકનાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બસમાં હતા 100 પ્રવાસીઓ
આ ઘટના અંગેની માહિતી આપતા એત્માદપુરના સર્કલ ઓફિસર અર્ચના સિંઘે જણાવ્યું કે, ખંદૌલી વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર આશરે 100 પ્રવાસીઓને લઈને જઈ રહેલી ખાનગી બસ પલટી ગઈ હતી. પ્રારંભિક માહિતીમાં બહાર આવ્યું છે કે, આ અકસ્માત ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવવાથી સર્જાયો હતો. જેમાં 14 પ્રવાસીઓને ઇજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.