નવી દિલ્હીઃ જૂના સંસદ ભવનમાં છેલ્લુ અને ઐતિહાસિક પ્રવચન કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણ સાથે જોડાયેલી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કૉંગ્રેસ પર વાકપ્રહાર કરવાની તક ચૂક્યા નહતા. તેમણે ભારતના રાજકારણમાં કટોકટીનો કાળ સૌથી દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તેલંગાણા રાજ્યની રચનાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. કૉંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવેલા ખામી યુક્ત નિર્ણયોને પરિણામે જનતાને કેટલું વેઠવું પડ્યું તે પણ યાદ કર્યુ હતું.
જૂના સંસદ ભવનનું મહત્વઃ જૂના સંસદ ભવનના મહત્વને સ્વીકારતા વડાપ્રધાને જણાવ્યું કે આ સંસદ ભવને લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન અને રક્ષણ જોયું છે. તેની સાથે સાથે આ સંસદ ભવને લોકશાહી પર પ્રહાર પણ જોયા છે. આ સંસદ ભવને અમર રાષ્ટ્રપ્રેમને નમન પણ કર્યા છે.
કટોકટી કાળઃ લોકશાહી પર સૌથી મોટો હુમલો એટલે કટોકટીનો કાળ. આ સંસદ ભવને જોયું કે દેશ અને જનતાએ લોકશાહીના હુમલાને કેવી રીતે ખમ્યો છે. જનતાએ લોકશાહી પર ભરોસો કરીને લોકશાહીને મજબૂત કરી છે. કટોકટી સામે પૂરી તાકાત એકઠી કરીને સમગ્ર દેશ લોકશાહી માટે લડ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને યાદ કર્યાઃ આ સંસદે સરકારના માત્ર 64 સાંસદો હોય તેવી ઘટના પણ જોઈ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના કાર્યકાળમાં સૌથી ઓછા સાંસદ હતા. તેમણે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જનતા દળથી અલગ થઈને ચંદ્રશેખરે 64 સાંસદોના સહારે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી. જનતા દળનો વિરોધ હોવા છતા ચંદ્રશેખરે વડાપ્રધાન બનવાનું પસંદ કર્યું. જો ચંદ્રશેખર સરકારનો કાર્યકાળ અલ્પજીવી હતી. કૉંગ્રેસ પાર્ટીએ ચંદ્રશેખર પર જાસુસીનો આરોપ લગાડીને સમર્થન આંચકી લીધું હતું. બહુમતિ ગુમાવતા ચંદ્રશેખરે 6 માર્ચ, 1991ના રોજ રાજીનામુ આપ્યું હતું.
તેલંગાણા રાજ્યની રચનાઃ તેમણે તેલંગાણા રાજ્યની રચના સુમેળપૂર્વક ન થઈ હોવાનું નિવેદન કર્યુ હતું. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા વિવાદનું હકારાત્મક સમાધાન લાવવામાં કૉંગ્રેસ સદંતર નિષ્ફળ ગઈ હતી. બંને રાજ્યો વચ્ચેનો વિવાદ હજુ સમ્યો નથી. તેલંગાણાની રચના સંદર્ભે અનેક વાર ખૂના મરકીની ઘટનાઓ સામે આવી હતી. આ રાજ્યની સ્થાપના જો શાંતિથી થઈ હોત તો આજે તેલંગાણા ઊંચાઈઓની નવી ક્ષિતિજે પહોંચ્યું હોત.
પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહા રાવને શ્રદ્ધાંજલિઃ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહા રાવને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાને તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેનારા બહુ ઓછા નેતા પૈકી એક ગણાવ્યા હતા. નરસિંહા રાવ દેશના વડાપ્રધાન બન્યા તે આપણા ભારતની લોકશાહીનું બહુ આદર્શ ઉદાહરણ છે.
સમાપનઃ આજે જૂના સંસદ ભવનના દ્વાર બંધ થઈ રહ્યા છે ત્યારે આ ભવનની દિવાલોએ અનુભવેલા ખાટા મીઠા પ્રસંગો દેશની લોકશાહીને મજબૂત કરવા માટે માર્ગદર્શન આપશે તેવી આશા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યનું સમાપન કર્યુ હતું.