રાંચીઃ શુક્રવારે મુસ્લિમ સમુદાયએ નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાં વિરોધ કર્યો હતો. દેશના વિવિધ ભાગોની સાથે રાજધાની રાંચીમાં (Violence In Ranchi) પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. રાંચીમાં વિરોધ હિંસક ઘટનામાં ફેરવાઈ ગયો અને આ પછી સમગ્ર શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. શનિવારે એસએસપી સુરેન્દ્ર કુમાર ઝાએ પેટ્રોલિંગ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી અને સ્થળ પર જ તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
આ પણ વાંચો: શ્રીનગરના બારામુલ્લા હાઈવે પર IED મળી આવ્યો
પોલીસકર્મીઓ સહિત 50 લોકો થયા ઈજાગ્રસ્ત : રાજધાની રાંચીમાં શુક્રવારે બદમાશોએ હંગામો મચાવ્યો હતો. સુજાતા ચોકથી ડેઈલી માર્કેટ સુધી બદમાશોનો ધમધમાટ હતો. મંદિરોમાં પથ્થરમારાની સાથે ઘણી જગ્યાએ આગચંપી પણ કરવામાં આવી હતી. જેમાં અનેક પોલીસકર્મીઓ સહિત 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ ફાયરિંગ બાદ લોકોના મોત પણ થયા છે. આ ઘટના બાદથી રાજધાની રાંચીના 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
શહેરના દરેક ખૂણે પોલીસની દેખરેખ : શનિવારે રાજધાની રાંચીના મુખ્ય માર્ગ પર વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. SSP શહેરના તમામ ચોકમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. ઘણા DSP અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ, શહેરના દરેક ખૂણે પોલીસની દેખરેખ જોવા મળી રહી છે. SSP સુરેન્દ્ર કુમાર ઝાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં શાંતિ છે. કાયદો અને વ્યવસ્થા પોલીસના નિયંત્રણમાં છે. કોઈને ઘરમાંથી બહાર કાઢવાની છૂટ નથી. શહેરના દરેક ખૂણે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
રાંચીમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ : શુક્રવારે મંદિરની સામે એક યુવકનું પણ ગોળી વાગવાથી મોત થયું છે. જ્યારે અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેની સારવાર રિમ્સમાં ચાલી રહી છે. રાજધાની રાંચીમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે જેથી અફવાઓ પર કાબૂ મેળવી શકાય. શુક્રવારે થયેલી હિંસા બાદ રાજધાની રાંચીમાં ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ છે, રસ્તાઓ નિર્જન છે, તમામ દુકાન સંસ્થાઓ બંધ છે. પ્રશાસન દ્વારા ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.