ઉત્તરાખંડ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ઉત્તરાખંડ પણ એલર્ટ મોડ પર છે. ખાસ કરીને ભારત-નેપાળ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પોલીસ અને SSB દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમામ લોકોની સઘનતા સાથે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ચીન સરહદે સ્થિતિ નિયંત્રણમાં, નેપાળ સાથે પણ મજબૂત સંબંધઃ આર્મી ચીફ
ભારત-નેપાળ સરહદ પર સુરક્ષામાં કરાયો વધારો : નોંધનીય છે કે ગત રાત્રે એટલે કે શનિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પોલીસ માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી. ત્યારે જ કેટલાક યુવકોએ બંને ભાઈઓ પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરીને કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ, પોલીસ અને SSBએ ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. પોલીસ અને SSBના જવાનો ભારત-નેપાળ સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સાથે નેપાળ બોર્ડર પર આવનાર દરેક વ્યક્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને SSB પણ ખાસ કરીને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે.
વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે : ખાતિમા સીઓ વીર સિંહે કહ્યું કે, ભારત-નેપાળ સરહદ ખુલ્લી છે, જેના કારણે આ સરહદ ખૂબ જ સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં, ભારત-નેપાળ બોર્ડર પર પોલીસ દ્વારા સમયાંતરે બોર્ડર પર તૈનાત SSB જવાનો સાથે પેટ્રોલિંગ કરવામાં આવે છે. ખુલ્લી સરહદને કારણે નેપાળ સરહદેથી આવારા તત્વો ભારતમાં પ્રવેશી શકે છે, તેથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પોલીસ અને SSB દ્વારા દરેક આવતા-જતા વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.