નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વર્ચ્યુઅલ ફોર્મેટમાં પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટનું (INDIA-CENTRAL ASIA SUMMIT) આયોજન કરશે. આ દરમિયાન સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જવા અને ઉભરતી પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા થવાની શક્યતાઓ છે.
પાંચ દેશોના રાષ્ટ્રપતિઓની ભાગીદારી જોવા મળશે
વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં (Virtual conference) કઝાકિસ્તાનના કાઝીમ જોમાર્ટ ટોકાયેવ, ઉઝબેકિસ્તાનના શવકત મિઝિયોયેવ, તાજિકિસ્તાનના ઈમોમાલી રહેમાન, તુર્કમેનિસ્તાનના જી. બર્ડીમુહામેદોવ અને કિર્ગીઝ રિપબ્લિકના સદયર જાપારોવ સહિત પાંચ દેશોના રાષ્ટ્રપતિઓની ભાગીદારી જોવા મળશે.
ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે પ્રથમ બેઠક હશે
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે નેતાઓના સ્તર પર આ પ્રકારની પ્રથમ બેઠક હશે. આ પરિષદ ભારત અને મધ્ય એશિયાના દેશોના નેતાઓ વ્યાપક અને ટકાઉ ભારત-મધ્ય એશિયા ભાગીદારીને જે મહત્વ આપે છે તે દર્શાવે છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, 27 જાન્યુઆરી 2022ના રોજ યોજાનારી પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ એ મધ્ય એશિયાના દેશો સાથે ભારતના વધતા જોડાણનું પ્રતિબિંબ છે, જે ભારતના 'વિસ્તૃત પડોશી'નો ભાગ છે.
આ પણ વાંચો: વડાપ્રધાન કરશે 'બાલવીરો' સાથે સંવાદ, જાણો શા માટે આપવામાં આવે છે 'બાલ પુરસ્કાર'
PM મોદીએ મધ્ય એશિયાના તમામ દેશોની ઐતિહાસિક મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં મધ્ય એશિયાના તમામ દેશોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. ત્યારબાદ દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન થયા છે. પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ દરમિયાન નેતાઓ ભારત-મધ્ય એશિયાના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાના પગલાં અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે.