ન્યૂયોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન સિંગર ફાલુ સાથે મળીને મિલેટ્સ પર એક ગીત તૈયાર કર્યુ છે. આ ગીતમાં મિલેટ્સ વિશ્વના ભૂખમરાને નાથવા કેવી રીતે પ્રદાન કરી શકે છે તેમજ તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક છે 'એબંડેંસ ઈન મિલેટ્સ'. આ ગીતને સંગીતના સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ગ્રેમી માટે નોમિનેશન મળ્યું છે. આ ગીતને ફાલુ અને તેણીના પતિ ગૌરવ શાહે ગાયું છે. 16 જૂને વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર આ ગીત રીલીઝ થયું હતું.
આ સ્પેશિયલ ગીતના રીલીઝ પહેલા સિંગર ફાલુએ પીટીઆઈને જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ મારી અને મારા પતિ સાથે મળીને આ ગીત લખ્યું છે. ભારતે વર્ષ 2023ને મિલેટ યર તરીકે જાહેર કરવાની પ્રપોઝલ કરી હતી. જેને યુએનની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન(FAO) દ્વારા મંજૂર કરવામાં આવી છે. FAO ઉપરાંત યુએનની જનરલ એસેમ્બલીના 75મા સેસનમાં પણ તેને મંજૂરી આપવામાં આવી હતી.
સિંગર જણાવે છે કે હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં આ ગીત લખવામાં આવ્યું છે. આ ગીત મિલેટ્સના ફાયદા દર્શાવે છે. આ ગીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ફીચરિંગ કરવામાં આવ્યું છે. આ ગીતની રચના વિશ્વભરમાં ફેલાયેલા ભૂખમરાને નાથવામાં મિલેટ્સ કેવી રીતે મહત્વનો ભાગ ભજવી શકે તે દર્શાવવા માટે કરવામાં આવી છે. આ માહિતી ફાલુની વેબસાઈટ પર રજૂ કરવામાં આવી છે.
સિંગર ફાલુએ કહ્યું કે, ગ્રેમી જીત્યા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ તેણીને મિલેટ્સ પરના ગીતનો આઈડિયા આવ્યો હતો. તેણીએ ઉમેર્યું કે, મને વડા પ્રધાન મોદીએ મિલેટ્સનું મહત્વ દર્શાવતું ગીત તૈયાર કરવાનું સજેશન કર્યુ હતું. મિલેટ્સના મહત્વને સંગીતનો સાથ મળતા જ તે દરેક સુધી સરળતાથી પહોંચી શકશે. સંગીતની સરહદ ઓળંગવાની ક્ષમતાને લીધે વડા પ્રધાન મોદીએ મને આ ગીત તૈયાર કરવા કહ્યું હતું.
ફાલુ આગળ જણાવે છે કે વડા પ્રધાને મને કહ્યુ હતું કે શા માટે ભારત મિલેટ્સને પ્રમોટ કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે મિલેટ્સ એક આરોગ્યપ્રદ ધાન છે અને પોષકતત્વોથી ભરપૂર છે. તેણીએ આગળ ઉમેર્યું કે, મેં વડા પ્રધાનને બહુ વિનંતીપૂર્વક કહ્યું કે તમે મારી સાથે ગીત લખશો અને તેઓ તરત જ માની ગયા. અમે સાથે મળીને આ ગીત લખ્યું છે. આ એક સિંગલ્સ છે જે 16મી જૂને દરેક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વર્લ્ડવાઈડ રીલીઝ થયું હતું.
આ ગીત હિન્દી અને અંગ્રેજીમાં રીલીઝ થશે. આ ગીત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે તેને અન્ય ભાષાઓમાં પણ ભાષાંતરીત કરવામાં આવશે. ફાલુ આ ગીત વડા પ્રધાનની સાથે લખવા માટે શરુઆતમાં તબક્કે નર્વસ હતી. ત્યારબાદ સમય વીતતા આખું સંયોજન બહુ સૌહાર્દપૂર્ણ રહ્યું હતું.
વડા પ્રધાન પર લખવું અને વડા પ્રધાન સાથે ગીત લખવું બે અલગ બાબતો છે. આ ગીતની મધ્યમાં વડા પ્રધાનની સ્પીચ પણ છે આ સ્પીચને વડા પ્રધાને લખી છે અને નેરેટ કરી છે. મિલેટ્સ સોંગમાં વડા પ્રધાન મોદી સાથે કામ કરવું મારા માટે બહુ ગર્વની વાત છે. કોઈપણ કલાકાર માટે આ આજીવન યાદગાર ક્ષણ છે.
ન્યૂયોર્કની કલાકાર ભારપૂર્વક આ ગીતનો ઉદેશ્ય જણાવે છે. આ ધરતી પરના ખેડૂતો વધુમાં વધુ મિલેટ્સ ઉગાડે અને દુનિયાભરમાં ફેલાયેલા ભૂખમરાને નાથવામાં મહત્વનું પ્રદાન કરી શકે છે. ગીતનું સંગીત અને તેમાં રહેલો સંદેશ ખરેખર વિશ્વભરમાં ફેલાયેલા ભૂખમરાની સમસ્યાને દૂર કરવા માટે પ્રેરણારુપ થઈ શકે છે.
જો આપણે વિશ્વમાં મિલેટ્સનો પૂરતો જથ્થો પૂરો પાડી શકીશું તો વિશ્વભરમાં ફેલાયેલ ભૂખમરાની સમસ્યાને નાથવામાં મદદ મળી રહેશે. આ બહુ સરળ છે, કારણ કે ખેડૂતો નાના મોટા ખેતરોમાં તેણે સરળતાથી ઉગાડી શકે છે. ભારતમાં પ્રાચીનકાળથી મિલેટ્સ ઉગાડવામાં આવે છે. મિલેટ્સનો ઉપયોગ પ્રાચીનકાળમાં પણ થતો હોવાના પૂરાવા મળ્યા છે.
130 કરતા વધુ દેશોમાં મિલેટ્સ ઉગાડવામાં આવે છે. એશિયા અને આફ્રિકાના હાફ અ બિલિયન લોકોના પરંપરાગત ખોરાકનો હિસ્સો ગણવામાં આવે છે.