નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે સાડા છ વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક સંસદ ભવનમાં યોજાશે. જો કે હજુ સુધી બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ વિશેષ સત્ર દરમિયાન વિચારણા માટે સૂચિબદ્ધ મુખ્ય બિલો પર ચર્ચા થવાની સંભાવના છે.
વડાપ્રધાને કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી : કેબિનેટની બેઠક પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અને અન્ય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જાહેરાત કરી છે કે, પાંચ દિવસના વિશેષ સત્રમાં આઠ બિલ પર ચર્ચા કરવામાં આવશે.
આ બિલનો સમાવેશ કરવામાં આવ્યો : નોંધનીય છે કે, અગાઉ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, સત્ર દરમિયાન વિચારણા અને પસાર કરવા માટે કુલ આઠ ખરડા સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. રવિવારે એક સર્વપક્ષીય બેઠકમાં, ગૃહના નેતાઓને જાણ કરવામાં આવી હતી કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ પર એક બિલ અને SC/ST ઓર્ડરથી સંબંધિત ત્રણ બિલ એજન્ડામાં ઉમેરવામાં આવ્યા છે. પ્રથમ સૂચિબદ્ધ બિલોમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલનો પણ સમાવેશ થાય છે.