નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઇપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે રાજ્યસભા સચિવાલયનો બંગલો ખાલી કરવાની નોટિસને યથાવત રાખી છે. આ ઉપરાંત, કોર્ટે તેનો વચગાળાનો આદેશ પણ પાછો ખેંચી લીધો છે જેમાં રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવા આદેશ: અગાઉ રાજ્યસભા સચિવાલયે રાઘવ ચઢ્ઢાને ટાઈપ-7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે રાજ્યસભા સચિવાલયના આદેશ પર રાઘવ ચઢ્ઢાએ આ બંગલો ખાલી કરવો પડશે. રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે એકવાર બંગલો ફાળવવામાં આવ્યા બાદ તેઓ છ વર્ષ સુધી સાંસદ રહેશે અને ત્યાં સુધી તેમને બંગલો ખાલી કરવા માટે કહી શકાય નહીં.
ભૂલથી ફાળવાયો હતો બંગલો: હકીકતમાં રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીના પંજાબમાંથી પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને પંડારા રોડ પર ટાઇપ-7 બંગલો ભૂલથી ફાળવ્યો હતો. જ્યારે, નિયમ મુજબ, પ્રથમ વખત સાંસદ બનેલા વ્યક્તિને સરકારી ફ્લેટ ફાળવવામાં આવે છે. પરંતુ રાજ્યસભા સચિવાલયને તેની ભૂલનો અહેસાસ થતાં જ તેણે ચઢ્ઢાને બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો.