ઈસ્લામાબાદ: પાકિસ્તાને ભારતમાં જેલમાં બંધ કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકને દેશના નવા નિયુક્ત કેરટેકર વડાપ્રધાન અનવારુલ હક કાકરના વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવન ઈવાન-એ-સદર ખાતે 19-સભ્યોની કેરટેકર કેબિનેટને શપથ લેવડાવ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલા વડાપ્રધાન (SAPM)ના પાંચ વિશેષ સલાહકારોની યાદીમાં મુશાલ હુસૈન મલિકનું નામ પણ સામેલ હતું.
માનવાધિકારો પર PMની વિશેષ સહાયક: મુશાલ પાકિસ્તાની નાગરિક છે જેણે યાસીન મલિક સાથે લગ્ન કર્યા છે. તેણીને માનવાધિકાર અને મહિલા સશક્તિકરણ પર વડાપ્રધાન કક્કડના વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વિશેષ સલાહકારનો દરજ્જો જુનિયર મંત્રી કરતા નીચો હોય છે, પરંતુ તે મુખ્ય સંબંધિત મુદ્દાઓ પર વડા પ્રધાનને સહાય પૂરી પાડે છે.
પાંચ વિશેષ સલાહકારો: મુશાલ હુસૈન મલિક સિવાય અન્ય ચાર વિશેષ સલાહકારોમાં વિદેશી પાકિસ્તાનીઓ માટે એસએપીએમ જવાદ સોહરાબ મલિક, દરિયાઈ બાબતોના સલાહકાર તરીકે વાઈસ એડમિરલ (નિવૃત્ત) ઈફ્તિખાર રાવ, પ્રવાસન પર ટીવી એન્કર અને લેખક વસીહ શાહ અને ફેડરલ એજ્યુકેશન અને પ્રોફેશનલ બાબતો પર સૈયદા આરિફા ઝહરાનો સમાવેશ થાય છે.
ટેરર ફંડિંગના કેસમાં યાસીનને આજીવન કેદ: જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીને 2009માં રાવલપિંડીમાં પાકિસ્તાની કલાકાર મુશાલ સાથે લગ્ન કર્યા હતા. 2005માં યાસીન પાકિસ્તાનના પ્રવાસે હતો ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. મુશાલ અને તેની પુત્રી ઈસ્લામાબાદમાં રહે છે. 1985માં જન્મેલા મુશાલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મે મહિનામાં યાસીનને ટ્રાયલ કોર્ટે ટેરર ફંડિંગના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહેલા યાસીન માટે ફાંસીની સજા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.
(PTI-ભાષા)