- જે રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેમની ઉપર નજર રખાશે
- દેશના 12 રાજ્યો ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે
- સરકાર દેશમાં કોરોનાના કેસ ઘટાડવા તમામ પ્રયત્નો કરી રહી છે
આ પણ વાંચોઃ સુરતના એક વેપારીએ લોકોની સમસ્યા જોઈ તેમને ઓક્સિજનની નાની બોટલ નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશમાં કોરોનાના કેસ ઘટાડવા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, અધિકાર પ્રાપ્ત સમૂહ ઓક્સિજનના પૂરવઠાના સંકટનો સામનો કરી રહેલા 12 રાજ્યોમાં દેખરેખ રાખવામાં આવશે. જોકે, 12 રાજ્ય જ્યાં કોરોનાના કેસ વધારે છે ત્યાં ઓક્સિજનની જરૂરિયાત વધી રહી છે. તે રાજ્યમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન છે.
આ પણ વાંચોઃ રિલાયન્સ રિફાઇનરી ખાતેથી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવે તેવી શક્યતા
હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ
મહારાષ્ટ્રમાં જરૂરિયાત મુજબ ઓક્સિજનનું ઉત્પાદન નથી. મધ્યપ્રદેશ પાસે કોઈ ઉત્પાદનની ક્ષમતા નથી. જ્યારે ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઓક્સિજન ઉત્પાદન તો છે, પરંતુ કેસ વધવાની સાથે ઓક્સિજનની માગ પણ વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક સહિત 10 રાજ્યોમાં કોરોનાના કેસ વધતાની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.
દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા 1.75 લાખ થઈ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. દેશમાં છેલ્લા 2 દિવસથી 1,000થી વધારે લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા 1.75 લાખ સુધી પહોંચી છે. કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ અને સાપ્તાહિક લૉકડાઉન જેવા પગલા લેવામાં આવ્યા છે.