નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સાયબર ક્રાઇમ દ્વારા નાણાકીય છેતરપિંડીના પાંચ અલગ-અલગ કેસ નોંધ્યા બાદ ઓપરેશન ચક્ર-2 હેઠળ દેશભરમાં 76 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ગુરુવારે આ કાર્યવાહીની માહિતી આપી હતી.
ભારતીય નાગરિકો સાથે 100 કરોડની છેતરપિંડી: અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી એક મામલો ક્રિપ્ટોકરન્સી ફ્રોડ દ્વારા ભારતીય નાગરિકોના 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના રેકેટ સાથે સંબંધિત છે. એજન્સીએ અન્ય બે કેસની વિગતો શેર કરી નથી, કારણ કે ઓપરેશન ચાલુ છે. ઓપરેશનના ભાગ રૂપે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા અને નવ કોલ સેન્ટરોની શોધખોળ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આ કેસ ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (FIU) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે નોંધવામાં આવ્યો છે. એમેઝોન અને માઇક્રોસોફ્ટની ફરિયાદ પર બે કેસ નોંધવામાં આવ્યા હતા. આરોપીઓ કોલ સેન્ટર ચલાવતા હતા અને વિદેશી નાગરિકોને નિશાન બનાવવા માટે કંપનીઓના ટેકનિકલ સહયોગી તરીકે કામ કરતા હતા.
બાતમીના આધારે દરોડા: અધિકારીઓએ જણાવ્યું કે CBIએ એફઆઈયુ, એફબીઆઈ, ઈન્ટરપોલ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચક્ર-1 ઓપરેશન ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. આમાં ઈન્ટરપોલ, એફબીઆઈ અને અન્ય એજન્સીઓ પણ સામેલ હતી. ત્યારબાદ 115 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.