મહારાષ્ટ્રઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મૂંબઈમાં એનસીબી એક આંતરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી કરતી ટોળકી પર ત્રાટકી હતી. એનસીબીએ 1.403 કિલોગ્રામ ડ્ર્ગ્સની સાથે બે આરોપીઓને ઝડપ્યા હતા.
બે રિસીવર્સ ઝડપાયાઃ આ સમગ્ર ઓપરેશન દરમિયાન બે રિસીવર્સની ધરપકડ કરવામાં આવી છે. એનસીબી દ્વારા કરવામાં આવેલા અગાઉના એક ઓપરેશનમાં યુરોપ અને અમેરિકાના શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરતી આંતરરાષ્ટ્રીય ટોળકીની બાતમી મળી હતી. આ ટોળકી અનેક વિદેશોમાં ડ્રગ્સની હેરાફેરીની યોજના બનાવી રહી હતી. આ ટોળકીને ઝડપવા માટે એનસીબીએ ટેકનીકલ ઓબ્ઝર્વન્સ અને ખાનગી બાતમીદારોની મદદ લીધી હતી.
પાર્સલમાં ડ્રગ્સ છુપાવ્યુંઃ 23 જૂનના રોજ બ્રિટનથી પૂના આવેલા એક પાર્સલને ટ્રેક કરવામાં આવ્યું અને તેને જપ્ત કરાયું.પાર્સલમાંથી 100 વાદળી રંગની એમડીએમએ ટેબલેટ અને 24 એલએસડી બ્લોટ પેપર નીકળ્યા હતા. આ માલસામાન કાળા રંગની પોર્ટેબલ ઓડિયો સિસ્ટમમાં સંતાડવામાં આવ્યા હતા. ઊંડી તપાસ કરતા કશ્યપ નામના એક વ્યક્તિ ડ્રગ્સનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું.
આંતરરાષ્ટ્રીય કનેકશનઃ મહારાષ્ટ્ર એટીએસની મદદથી શુક્રવારે પૂનાથી કશ્યપની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી.પૂછપરછમાં જાણવા મળ્યું કે કશ્યપ આંતરરાષ્ટ્રીય બઝારમાંથી ડ્રગ ખરીદતો હતો અને પૂનાની આસપાસ ડ્રગ્સ વેચવામાં પણ સામેલ હતો.બીજા એક ઓપરેશનમાં એનસીબીએ 1.403 કિલોગ્રામ એમડીએએમ ટેબલેટ સાથે અન્ય એક રિસીવરની ધરપકડ કરી છે. આજના યુગમાં ડ્રગ્સ એક એવી મહામારી બનીને સામે આવી છે જે યુવાધનને બરબાદ કરી રહી છે. એનસીબી વારંવાર સર્ચ ઓપરેશન કરે છે અને અનેકવાર મોટી માત્રમાં ડ્રગ્સ ઝડપી લે છે. છતાં આ ધંધામાં પાવરધા થઈ ગયેલા રીઢા ગુનેગારો ડ્ર્ગ્સ હેરાફેરીના અવનવા રસ્તાઓ શોધી કાઢે છે. તેઓ ડ્રગ્સ ઉત્પાદનકર્તાઓથી ડ્રગ્સ ઉપભોકતા સુધી યેનકેન પ્રકારે ડ્રગ્સ પહોંચાડી દે છે. જે ખરેખર આપણા દેશના યુવાનો માટે નુકસાનકારક છે.