ભરતપુર : ભારતને ખેતીપ્રધાન દેશ એમ જ નથી કહેવાતો. આ દિવસોમાં રાજસ્થાનના ભરતપુરનો એક યુવા ખેડૂત વિસ્તારના ખેડૂતો માટે ઉદાહરણ બની રહ્યો છે. ભરતપુર જિલ્લાના યુવા ખેડૂત તેજવીરે સારું ભણીને નોકરી કરી ખાવાનેે બદલે પ્રગતિશીલ ખેતી પસંદ કરી. તેણે પરંપરાગત ખેતી કરતા ખેડૂતો માટે એક અનોખો દાખલો બેસાડ્યો છે.
રેડ લેડી જાતના પપૈયાથી કમાયા લાખો : તેજવીરે માત્ર 5 વીઘા જમીનમાં રેડ લેડી જાતના પપૈયાની ખેતી કરીને માત્ર ચાર મહિનામાં લાખોની કમાણી કરી છે. એટલું જ નહીં, આ વખતે પપૈયાના ત્રણ ગણા ભાવે નાણાંકોથળી ભરી દીધી છે. હવે આ યુવા ખેડૂત આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ પર ચાલો જાણીએ ભરતપુરના એક યુવા ખેડૂતની સફળતાની ગાથા.
બાગાયત વિભાગ પાસે પાકની માહિતી મેળવી: જિલ્લાના વિજયપુરા ગામનો રહેવાસી તેજવીરસિંહ ઉચ્ચ શિક્ષિત છે, પરંતુ તેણે નોકરીને બદલે ખેતી પસંદ કરી. ખેડૂત તેજવીરે જણાવ્યું કે તેણે પોતાની પૈતૃક જમીનમાં પ્રગતિશીલ રીતે ખેતી કરવાનું નક્કી કર્યું. આ માટે સૌપ્રથમ તેમણે બાગાયત વિભાગ પાસેથી બગીચાના તમામ પાકોની માહિતી લીધી. તે પછી પાંચ વીઘા જમીનમાં રેડ લેડી તાઈવાની પપૈયાની ખેતી શરૂ કરી. યુવા ખેડૂત તેજવીરે જણાવ્યું કે નવેમ્બર 2022માં તેણે 5 વીઘા ખેતરમાં પપૈયાના 1600 છોડ વાવ્યા હતાં, જેની કુલ કિંમત 2.5 લાખ રૂપિયા હતી.
ત્રણ ગણી કિંમત મળી : ખેડૂત તેજવીરે જણાવ્યું કે પપૈયાનું ઉત્પાદન સપ્ટેમ્બર 2023થી શરૂ થયું હતું. આ વખતે બજારમાં પપૈયાનો ભાવ અગાઉના વર્ષો કરતાં ત્રણ ગણો વધુ હતો એટલે કે પાછલા વર્ષોમાં પપૈયાનો ભાવ 15 થી 18 રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે આ વખતે ભાવ 45 રૂપિયા પ્રતિ કિલો હતો. ખેતરમાં પપૈયાનું ઉત્પાદન પણ બમ્પર થયું હતું. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 5 વીઘા ખેતરમાં લગભગ 100 ક્વિન્ટલ પપૈયાનું ઉત્પાદન થયું છે. તે જ સમયે ચાર મહિનામાં લગભગ 5 લાખ રૂપિયાની આવક થઈ છે.
2 વર્ષ સુધી પપૈયાની ઉપજ : ખેડૂત તેજવીરે જણાવ્યું કે 5 વીઘા ખેતરમાં વાવેલ પપૈયાના છોડ 2 વર્ષ સુધી ઉપજ આપશે. આવી સ્થિતિમાં સમગ્ર 2 વર્ષની સિઝનમાં પપૈયાની સારી આવક થશે તેવો અંદાજ છે. જો પરંપરાગત ખેતી સાથે સરખામણી કરવામાં આવે તો પપૈયાની આવક લગભગ ત્રણથી ચાર ગણી વધુ હોવાની અપેક્ષા છે.
9 વીઘામાં તરબૂચ વાવ્યાં : ખેડૂત તેજવીરે જણાવ્યું કે તરબૂચની સિઝન ઉનાળામાં આવે છે. આવી સ્થિતિમાં 9 વીઘા જમીનમાં તરબૂચનું વાવેતર થઈ ચૂક્યું છે. માર્ચ મહિનાથી તરબૂચનું ઉત્પાદન શરૂ થશે. તરબૂચની વાવણી એ રીતે કરવામાં આવી છે કે સિઝન પહેલા ઉપજ મળવાનું શરૂ થઇ જાય. જેના કારણે તરબૂચના બજારમાં સારા ભાવ મળશે. એવો અંદાજ છે કે તરબૂચના પાકથી પણ પ્રતિ વીઘા રૂપિયા 1 થી 1.5 લાખ રુપિયાની આવક થશે.