કચ્છ: વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલ રાજ્ય હસ્તકલા એવોર્ડ સમારોહમાં કચ્છના નીરોણાના રોગાન કલાના કારીગર મુનાફ સિધિક ખત્રીને ટ્રી ઓફ લાઈફ-રોગાન આર્ટ માટે રાજ્ય હસ્તકલા એવોર્ડ-2021 માટે દ્વિતીય સ્થાને પસંદગી પામતા ગુજરાત સરકાર દ્વારા સન્માન પત્ર અને 50,000 રૂપિયાનો ચેક કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
ભારતની લુપ્ત થતી વિરાસતને આગળ વધારી: 400 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી અને લુપ્ત થતી રોગાન કળાને છેલ્લાં થોડાક વર્ષોથી પ્રસિદ્ધિ મળી રહી છે. જેના લીધે આ કળા સાથે સંકળાયેલા કારીગરોને રોજગારી સાથે જ તેમને નામના પણ મળી રહી છે. એવોર્ડ મેળવનાર નીરોણાના યુવા કારીગર મુનાફ ખત્રીના દાદા 50 વર્ષ પહેલા તેન આ ગામઠી રોગાન કળાના નીરોણા ગામમાં મુખ્ય કારીગર હતા. તેના પિતા સિધિક ભાઈએ આ કળા મૂકી દીધી હતી. ત્યાર બાદ આ આ રોગાન કળાને મુનાફના મોટા ભાઈ રિઝવાન પાસેથી 2015 માં ધોરણ 11 બાદ ભણવાનું મૂકીને ભારતની આ લુપ્ત થતી વિરાસતને આગળ વધારવા માટે શીખી હતી.
"નેચરલ કલરનો ઉપયોગ કરીને રોગાન કળાના આ 40 x 30 ઇંચના ટ્રી ઓફ લાઇફનું ઝીણવટભર્યું વોલ પીસ પેઈન્ટિંગ બનાવ્યું હતું. 2021માં રાજ્ય સ્તરના પુરસ્કાર માટે નામાંકન કર્યું હતું. આ આર્ટ પીસ બનાવતા એક મહિના જેટલો સમય લાગ્યો હતો. આ રોગાન આર્ટનું વોલ પીસ બ્લેક કલરના કોટન કાપડ ઉપર બનાવવામાં આવ્યું હતું. આ વોલ પીસને બનાવવા માટે એરંડીયાના તેલને જંગલમાં લઈ જઈને ગરમ કરીને તેનું શૈલી બનાવી અને તેની અંદર નેચરલ કલરને મિશ્રણ કરીને કલર બનાવ્યું છે." - મુનાફ ખત્રી, રોગાન કારીગર
રોગાન કળાની મુખ્ય વિશેષતા: આ કળામાં કાપડ ઉપર કોઈપણ પ્રકારની ડિઝાઈન દોર્યા વગર ડાયરેકટ કલરથી આ પેન્ટીંગ બનાવવામાંઆવે છે. મોટા ભાગે રોગાન આર્ટ પેન્ટીંગમાં બન્ને બાજુ સરખી ડિઝાઈન બનાવવામાં આવે છે. પણ આ ખાસ રોગાન વોલ પીસમાં બન્ને બાજુ અલગ-અલગ ડિઝાઈન બનાવવામાં આવી છે. જેનાથી આ રોગાન વોલ પીસ બીજા વોલ પીસથી અલગ લાગે છે. આ વોલ પીસમાં ત્રણ પ્રકારે કામ કરવામાં આવ્યું છે. જેમાં આઉટ લાઈન (લેટ), ઉપસેલી લાઈન અને જીણા જીણા ડોટ દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેન્ટીંગ આખું તૈયાર થઈ ગયા બાદ તેને 1 દિવસ તડકામાં સુકાવવામાં આવ્યું છે.
લુપ્ત થતી કળાના કારીગરોને પ્રોત્સાહન: રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાઇ રહી છે. ખાસ કરીને સરકાર આવી જ રીતે લુપ્ત થતી કળાઓના કારીગરોને પ્રોત્સાહન આપે તો આ કળાને વધુ વિકસાવી શકાય છે. રોગાન આર્ટ હાલમાં ગામમાં બહેનોને પણ શીખવાડવામાં આવી રહી છે અને રોજગારી આપવામાં આવી રહી છે. હાલમાં ગામમાં 2 પરિવારોએ આ કળા જાળવી રાખી છે.