કર્ણાટક : આજ સુધી સાંભળ્યું હતું કે ચોર ઘરમાંથી ચોરી કરવા માટે લોખંડના સળિયા, હથોડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ કર્ણાટકના શિવમોગામાં એક ચોર જેસીબી મશીન ચોરી કરવા માટે લાવ્યો હતો. જેસીબી મશીનની મદદથી ચોરી દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યાં પોલીસને જોઈને ચોર ભાગી ગયો હતો. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી, જ્યારે ચોર વિનોબા નગરમાં એક્સિસ બેંકના એટીએમમાં ચોરી કરવા આવ્યો હતો.
અનોખી રીતે થઇ રહી હતી ચોરી : મળતી માહિતી મુજબ, શિવમોગાના વિનોબાનગર શહેરના મુખ્ય માર્ગ પર શિવ મંદિરની સામે એક્સિસ બેંકનું એટીએમ છે. ત્યાં ચોરે જેસીબી વડે એટીએમનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. બાદમાં તેણે જેસીબીની મદદથી એટીએમ મશીનને ઉખાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. એટીએમ મશીન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે ચોરે પેટ્રોલિંગ કરતી પોલીસ વાનને તેની તરફ આવતી જોઈ. પોલીસને જોઈને ચોર એટીએમ પાસે જેસીબી મૂકીને ભાગી ગયો હતો.
પોલિસે તપાસ હાથ ધરી : પોલીસના જણાવ્યા અનુસાર, જેસીબી સામાન્ય રીતે અહીંના એટીએમની બાજુમાં પેટ્રોલ પંપ પર પાર્ક કરવામાં આવે છે. આ ચોરી માટે ચોરે પહેલા જેસીબીની ચોરી કરી અને તેની મદદથી એટીએમ મશીન ચોરી કરવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ તે જ સમયે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને પોતાની તરફ આવતી જોઈ ચોર જેસીબી મશીન મુકીને ભાગી ગયો હતો. હાલ જેસીબી વિનોબા નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે જો તે એટીએમની અંદર ગયો હોત તો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરનો ચહેરો કેદ થઈ ગયો હોત, પરંતુ તે અંદર ગયો ન હતો. આવી સ્થિતિમાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ચોરને શોધી શકાય.