નવી દિલ્હી: ભારતે ગુરુવારે કહ્યું કે, નવી દિલ્હીનું ધ્યાન વર્તમાન સંજોગોમાં રશિયા સાથેના સંબંધોને સ્થિર કરવા પર છે. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર માટે USના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, દલીપ સિંહે આ મહિનાની શરૂઆતમાં વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા પછી આ પ્રતિક્રિયા આવી છે. અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ દલીપ સિંહે (Dalip Singh warns of India Russia relations) ભારત રશિયા સંબંધો અંગે ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: United Nations suspends Russia: રશિયા UNHRC માંથી સસ્પેન્ડ, ભારતે મતદાનમાં ભાગ ન લીધો
રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચ્યા : દલીપ સિંહે આ અઠવાડિયે નવી દિલ્હીની બે દિવસીય મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી, રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચ્યા તેના કલાકો પહેલાં સિંહે નવી દિલ્હીને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો ચીન ફરીથી LACનું ઉલ્લંઘન કરશે તો મોસ્કો ભારતના બચાવમાં આવે તેવી શક્યતા ઓછી છે. એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન સિંહે ચેતવણી આપી હતી કે, જે દેશો સક્રિયપણે મોસ્કો સામેના US પ્રતિબંધોને ટાળવા અથવા પાછી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પરિણામોનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ભારતની ઉર્જા અને અન્ય ચીજવસ્તુઓની રશિયાથી આયાતમાં વધારો જોવાનું પસંદ કરશે નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શું કહ્યું? : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (MEA spokesperson Arindam Bagchi) સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, રશિયા સાથેના સંપર્કો અંગે ભારતનું વલણ ખૂબ જ ખુલ્લું છે. તેમણે આ વિષય પર રશિયા પાસેથી યુરોપિયન દેશો દ્વારા ક્રૂડ ઓઈલ વગેરેની ખરીદી ચાલુ રાખવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. "અમે રશિયા સાથે આર્થિક સંબંધો સ્થાપિત કર્યા છે અને વર્તમાન સંજોગોમાં, અમારું ધ્યાન આ સ્થાપિત આર્થિક સંબંધોને સ્થિર રાખવા પર છે."
રાજકીય રંગ ન આપવો જોઈએ : તેમણે કહ્યું કે, અમારા સંપર્કોને રાજકીય રંગ ન આપવો જોઈએ. રશિયા સાથેની ચૂકવણીના વિષય પરના પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં ભારત અને રશિયા વચ્ચે કેવા પ્રકારની ચુકવણી પદ્ધતિ અસરકારક બની શકે તે અંગે ચર્ચા ચાલી રહી છે. રશિયા સાથેના વેપાર અંગે અમેરિકાના કોઈપણ દબાણ અંગેના પ્રશ્નના જવાબમાં બાગચીએ કહ્યું કે, મને નથી લાગતું કે આ પ્રકારનું કોઈ દબાણ છે. તેમણે કહ્યું કે, અમેરિકા સાથે અમારો મજબૂત અને વૈવિધ્યસભર સંબંધ છે. પ્રવક્તાએ કહ્યું કે, યુક્રેનમાં સંઘર્ષ વચ્ચે કારોબાર ચાલી રહ્યો છે, તેલ સંબંધિત બિઝનેસ પણ ચાલી રહ્યો છે. યુરોપમાં પણ ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ છે. તેમણે કહ્યું કે આ બાબતે દરેક પક્ષનો પોતપોતાનો દૃષ્ટિકોણ છે.
અરિંદમ બાગચીએ કહ્યું અમે તેલને લઈને આયાતકાર દેશ છીએ : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે ઘણા દેશોમાંથી તેલ આયાત કરીએ છીએ કારણ કે અમે તેલને લઈને આયાતકાર દેશ છીએ. તેમણે કહ્યું કે જો કે રશિયામાંથી આપણી આયાત (તેલની) ઘણી ઓછી છે, પરંતુ તે અન્ય દેશો કરતા વધુ છે. દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિદેશ પ્રધાન જયશંકર 11 થી 12 એપ્રિલ સુધી અમેરિકાની મુલાકાત લેશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ અને કટોકટી પર તટસ્થ વલણ જાળવવા અને રશિયાની નિંદા ન કરવા પશ્ચિમના દબાણ વચ્ચે તેમની મુલાકાત આવી છે.