- ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઈને સારા સમાચાર
- ભારત-ચીન સેનાના કમાન્ડર શનિવારે વાટાઘાટ કરશે
- શનિવારે સવારે 10:30 કલાકે યોજાઈ શકે છે બેઠક
નવી દિલ્હી : લદ્દાખમાં LACને લઈને ભારત અને ચીન વચ્ચે મે 2020થી તંગ વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. સીમા પર સ્થિતિ શાંત હોવા છતા બન્ને દેશો વચ્ચે તણાવ ઓછો થયો નથી. આ તણાવ દૂર કરવા માટે ભારત અને ચીનની સેનાઓ આજે શનિવારે ફરી એક વખત કમાન્ડર સ્તરીય વાટાઘાટ કરશે. ચીન તરફ આવેલા ભાગ મોલ્દોમાં શનિવારે સવારે 10:30 કલાકે આ વાટાઘાટ શરૂ થશે.
હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા હાઈટ્સને લઈને થઈ શકે છે ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બન્ને દેશો વચ્ચે હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા હાઈટ્સ ક્ષેત્રોમાં સૈન્ય વિઘટનને લઈને ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ વિદેશ મંત્રાલયે સંકેત આપ્યા હતા કે, બન્ને દેશો વચ્ચે વાટાઘાટને લઈને સહમતિ થઈ ગઈ છે અને જલ્દી જ તેનું આયોજન કરવામાં આવશે. પૂર્વ લદ્દાખમાં ચીન સાથે LAC વિવાદને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમે વિઘટન અને ડી-એસ્કેલેશનને લઈને વાટાઘાટ કરીશું.
મે 2020માં 6 દાયકાઓનું સૌથી મોટું ઘર્ષણ થયું હતું
લદ્દાખની ગલવાન ઘાટીમાં મે 2020માં ભારત-ચીન વચ્ચે છેલ્લા 6 દાયકાઓમાં સૌથી મોટું ઘર્ષણ થયું હતું. બન્ને દેશોની સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં એક કર્નલ સહિત ભારતીય સેનાના કુલ 20 જવાન શહીદ થયા હતા. 1914થી 2020 સુધી ભારત-ચીન વચ્ચે સીમાને લઈને નવી દિલ્હી અને બીજિંગ વચ્ચે અવિશ્વાસ અને સંઘર્ષનો લાંબો ઈતિહાસ રહ્યો છે.