- જે. પી. નડ્ડા મંગળવારથી 2 દિવસ બંગાળના પ્રવાસે
- હિંસાનો ભોગ બનેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત
- બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ અનેક જગ્યાએ હિંસા થઈ હતી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને મળેલી જીત બાદ રાજ્યમાં અનેક જગ્યાએ હિંસાની ઘટના સામે આવી હતી. હિંસાની આ તમામ ઘટનાઓ વચ્ચે ભાજપે TMC કેડરમાં શામેલ કથિત ગુનેગાર તત્વો પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપે કહ્યું હતું કે, TMCના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળ ચૂંટણી: અંતિમ તબક્કામાં 23 ટકા ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
ભાજપના કાર્યકર્તાઓના ઘર અને દુકાનમાં આગ ચાંપી દેવાઈઃ ભાજપ
ભાજપે TMC પર વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામ આવ્યાના 24 કલાકની અંદર કેટલાક કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તો કેટલાક કાર્યકર્તાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પાર્ટીના અનેક કાર્યકર્તાઓના ઘર અને દુકાનમાં આગ ચાંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ 2021 વિધાનસભા ચૂંટણી પરિણામો: અસ્તિત્ત્વ, સુરક્ષા અને ટકી જવા માટેનો મત
ભાજપના કાર્યકર્તાઓ મમતા બેનરજી દ્વારા કરાયેલી હત્યાનો ભોગ બન્યાઃ કૈલાસ વિજયવર્ગીય
આ હિંસાની ઘટનાને જોતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 4 અને 5 મે દરમિયાન પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. અહીં તેઓ હિંસાનો ભોગ બનેલા કાર્યકર્તાઓ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરશે. આ પહેલા ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ મમતા બેનરજી દ્વારા કરાવવામાં આવેલી હિંસાથી પીડિત છે.