વારાણસી : કાશી હિન્દુ યુનિવર્સિટી IIT ની વિદ્યાર્થિની પર ગેંગરેપના આરોપી વારાણસી મહાનગર ભાજપ IT સેલના કન્વીનર કુણાલ પાંડે, સહ-સંયોજક સક્ષમ પટેલ અને વર્કિંગ કમિટી મેમ્બર આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણની પોલીસે ઘટનાના 60 દિવસ બાદ ધરપકડ કરી હતી.આ માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી છે.
પોલીસની ઝડપી કાર્યવાહી : પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ત્રણેયની ધરપકડ સરળ નહોતી કારણ કે, કેટલાક ક્લૂ મળ્યા હતા પરંતુ તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. આ માટે પોલીસની 40 ટીમોએ વારાણસીના કમાન્ડ સેન્ટર ત્રિનેત્રમાં બેસીને શહેરના 750 સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસવામાં દરરોજ ઓછામાં ઓછા 6 થી 7 કલાક મહેનત કરી હતી. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયથી લઈને શહેરના કેન્ટ અને ચેતગંજ સુધીના વિસ્તારમાં 10,000 થી વધુ મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 1000 થી વધુ નંબરને સર્વેલન્સ પર મૂકવામાં આવ્યા અને 200 શંકાસ્પદ નંબરોની કોલ વિગતોની તપાસ કરવામાં આવી હતી. આ પછી ત્રણેય આરોપીઓ કોણ છે તેની પુષ્ટિ થઈ અને તેમની ધરપકડ કરવામાં આવી છે.
15 દિવસનું નક્કર પ્લાનિંગ : પોલીસ ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ત્રણેયની ધરપકડ કરવા માટે ચાર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. કેસ વધુ ગંભીર બનતા ત્રણ ડઝનથી વધુ ટીમોને અલગથી તપાસ માટે તૈનાત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં આસપાસના જિલ્લાઓની પોલીસ પણ તેના પોતાના જિલ્લામાં આરોપીઓને શોધી રહી હતી. કેટલાક ક્લૂ મળ્યા હતા પરંતુ તે મજબૂત નહોતા. કાર્યવાહી દરમિયાન પોલીસ દસમા દિવસે આરોપીની નજીક પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ ગયા હતા. પોલીસની ટીમે મધ્યપ્રદેશમાં જઈને ધામા નાખ્યા પરંતુ આરોપી હાથમાં આવ્યા નહોતા. જોકે બાદમાં પોલીસે 15 દિવસ સુધી બંનેની રાહ જોઈ અને પરત ફરવાના પ્લાનિંગ સાથે તેમને ઝડપી પાડ્યા હતા.
ચોંંકાવનારી માહિતી : આ ગેંગરેપ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી બાદ આરોપીઓના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે તેમના મોબાઈલ ફોનમાંથી કોઈ ડેટા ડિલીટ કરવામાં આવ્યો નથી કે કોઈ વીડિયો ડિલીટ કરવામાં આવ્યો નથી. પરંતુ તેમના મોબાઈલનું લોકેશન દરરોજ રાત્રે 12 વાગ્યા પછી કાશી હિન્દુ યુનિવર્સિટીમાં હોવાનું મળી આવ્યું હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ લોકો લગભગ દરરોજ BHU આવતા હતા. પોલીસ ઇલેક્ટ્રોનિક પુરાવાને આધાર બનાવી કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કોલ ડિટેઈલ રિપોર્ટ, આરોપીનો મોબાઈલ ફોન, તેમની વાતચીતનું રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટીંગ, પીડિતાનું નિવેદન અને અન્ય સાક્ષીઓની ગવાહી સહિતના જે પણ પુરાવા પોલીસ પાસે છે તેને મજબૂતીથી કોર્ટમાં રજૂ કરવા ચાર્જશીટ તૈયાર કરવામાં આવી રહી છે.
શું હતો મામલો ? ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરના રોજ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય IIT ની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી હતી. પરંતુ ઘટનાના 7 દિવસ પછી 8 નવેમ્બરના રોજ પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનમાં ગેંગરેપની વાત કરી હતી. આ પછી સેક્શનને છેડતીમાંથી બદલીને ગેંગરેપ કરી દેવામાં આવી હતી. BHU કેમ્પસમાં વિદ્યાર્થિનીઓનો સતત વિરોધ પોલીસને દબાણમાં લાવી રહ્યો હતો.
બળાત્કારીઓ જેલ હવાલે : ત્યારબાદ પોલીસ સતત કાર્યવાહી કરવાનું આયોજન કરી રહી હતી. સતત વિરોધના કારણે દબાણ હેઠળ આવેલી પોલીસે સર્વેલન્સ અને બાતમીદારો પર ભરોસો કર્યો અને બે ડઝનથી વધુ બાતમીદારોની મદદથી ત્રણેય આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. પરંતુ આરોપીઓ છટકી રહ્યા હતા અથવા અન્ય કારણોસર તેમની ધરપકડ શક્ય ન હતી. જોકે વર્ષ 2023 પૂર્ણ થાય તે પહેલા જ 30 ડિસેમ્બરના પોલીસે આરોપીઓને દબોચી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. બાદમાં હવે આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે. તપાસમાં મળેલા પુરાવાના આધારે પોલીસ આરોપીઓને કડક સજા આપવાની તૈયારી કરી રહી છે.