મથુરા: મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટ કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટની આ અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે એક તરફ જ્ઞાનવાપી મસ્જિદ કેસ મામલે સર્વેની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે નવો એક વિવાદ સામે આવ્યો છે.
આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: વાસ્તવમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે ગત જુલાઈમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં મથુરાની શાહી ઇદગાહનો વૈજ્ઞાનિક સર્વે કરાવવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. આ અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી ટ્રસ્ટે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
જમીનના માલિકી હક્કને લઈને વિવાદ: તમને જણાવી દઈએ કે આ વિવાદ 13.37 એકર જમીનના માલિકી હક્કને લઈને ચાલી રહ્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં 10.9 એકર જમીન છે. બાકીની જમીન શાહી ઈદગાર પાસે છે. અનેક સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે શાહી ઈદગાહનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તે જમીન પર પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
અનેક અરજીઓ દાખલ કરવામાં આવી: આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. આમાંથી ઘણી અરજીઓ મથુરા કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ પૈકી અલ્હાબાદ હાઈકોર્ટમાં શાહી ઈદગાહ સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.