- સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું નિવેદન
- આગામી સપ્તાહથી મળશે કોરોનાની રસી
- અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે
નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, તેઓ લગભગ સાત દિવસોમાં રસી તૈયાર કરાવવા તૈયાર છે, પરંતુ રસીકરણ શરૂ થવાની તારીખ અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, સ્વાસ્થ્યકર્મીઓ સહિતનાં ફ્રન્ટલાઈન વૉરિયર્સે પોતાની નોંધણી કરાવવી જરૂરી નથી. તેઓનો ડેટા અગાઉથી રસીકરણના વ્યવસ્થાપન માટે તૈયાર કરાયેલા સૉફ્ટવેર કો-વિનમાં ઉમેરી દેવાયો છે. તેમણે ઉમેર્યુ હતુ કે, 'પ્રારંભિક અભ્યાસના તારણોના આધાર પર સ્વાસ્થ્ય મંત્રાલય રસીના મુશ્કેલીના સમયે ઉપયોગને મંજૂરી આપે તેના 10 દિવસમાં જ કોવિડ -19ની રસી બહાર પાડવા તૈયાર છે. જ્યારે, રસીની ઉપલબ્ધતા (રોલ આઉટ) અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતુ કે, અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.'
ભારતના ઔષધ નિયામકે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવેક્સિનને રવિવારે જ મુશ્કેલીના સમયે ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર થયું
ભૂષણે કહ્યું હતું કે, 'કો-વિન' એટલે કે કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક ભારત સહિત સમગ્ર વિશ્વ માટે તૈયાર કરવામાં આવ્યુ છે. જે પણ દેશ તેનો ઉપયોગ કરવા ઈચ્છતુ હોય, ભારત સરકાર તેમને સક્રિયરૂપે મદદ કરશે.
નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૉલ કહે છે કે, મહામારીના આ સમયમાં દેશમાં એક અપેક્ષાનો માહોલ સર્જાઈ રહ્યો છે. એક્ટિવ કેસો અને મોતના આંકડાઓ ઘટતા પરિસ્થિતિ ક્રમશ: સુધરી રહી છે. તેમણે ઉમેર્યુ હતુ કે, જ્યાં સુધી વાત બ્રિટનમાં સામે આવેલ કોરોના વાયરસના નવા સ્વરૂપની છે, તો તે ભારતમાં પ્રવેશી ચૂક્યો છે અને અત્યાર સુધી 71 લોકોનું નિદાન પણ કરવામાં આવ્યુ છે. જે આ પ્રકારની વૈજ્ઞાનિક તપાસમાં આપણી ક્ષમતા દર્શાવે છે.
રસીને લગતા તમામ તમામ માપદંડોનું પાલન
ભારતના ઔષધ મહાનિયંત્રક(ડીસીજીઆઈ) દ્વારા બે રસીઓના મુશ્કેલીના સમયના ઉપયોગને મળેલી મંજૂરી અંગે પૉલે કહ્યુ હતુ કે, આ બંને રસીઓેએ તમામ વૈજ્ઞાનિક અને વૈધાનિક આવશ્યક્તાઓ પૂર્ણ કરી છે અને તમામ માપદંડોનું પણ પાલન કર્યુ છે.
કોવિડ-19 સંબંધિત આંકડાઓ રજૂ કરતા સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ સપ્તાહમાં રોજ સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા નવા નોંધાઈ રહેલા સંક્રમિતો કરતા વધી ગઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસો પૈકી 43.96& દર્દીઓ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં, જ્યારે 56.04 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.