લખનઉઃ ચીનના હાંગઝોઉ શહેરમાં 22થી 28 ઓક્ટોબર સુધી એશિયન પેરા ગેમ્સ 2023 યોજાવાની છે. આ સ્પર્ધામાં ભારત પોતાની પ્રતિભા દાખવવા તૈયાર છે. ભારતની ટીમ ચીન જવા મંગળવારે રવાના થઈ છે. આ ટીમમાં ઉત્તર પ્રદેશના સરહાનપુરની આંશિક દ્રષ્ટિવાળી ખેલાડી ગુલશન પણ સામેલ છે. ગુલશન ખૂબ જ સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચી છે. ગુલશનના પિતા ડ્રાઈવર છે. તેના પિતાએ ગુલશનની પ્રતિભા નિખારવા ખૂબ જ મહેનત કરી છે.
અભ્યાસ કરીને મેળવી નોકરીઃ ગુલશન બહુ મહેનત કરીને આ સ્થાને પહોંચી છે, ગુલશનનો સંઘર્ષ ઉત્તર પ્રદેશ તેમજ સમગ્ર ભારતની દીકરીઓ માટે પ્રેરણાદાયી છે. ગુલશનને સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી નથી મળી પરંતુ તેણીએ અભ્યાસમાં સખત મહેનત કરી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવી છે. આજે તે બેન્કમાં ડેપ્યૂટી મેનેજર છે.
ઈટીવી ભારતને આપ્યો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂઃ ચીન રવાના થતા પહેલા ગુલશને ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. ગુલશને ચીનમાં યોજાનાર પેરા ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો આત્મવિશ્વાસ જાહેર કર્યો છે. ગોલ્ડ જીતીને ઉત્તર પ્રદેશ અને દેશને ગૌરવ અપાવવાની ઈચ્છા જાહેર કરી છે. ગુલશન એશિયામાં ચોથી રેન્ક અને વિશ્વમાં 14મી રેન્કની મહિલા ખેલાડી છે. ગુલશનને અહીં સુધી પહોંચવા માટે સખત પરિશ્રમ કરવો પડ્યો છે. તેણી સતત બે વર્ષથી જૂડોની પ્રેક્ટિસ કરી રહી છે. જેમાં દોઢ વર્ષથી લખનઉમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ વખતે ગુલશન મેડલ મેળવશે તેવા આત્મવિશ્વાસથી ભરપૂર છે.
ગુલશનનો પરિવારઃ ગુલશનના પરિવારમાં માતા-પિતા, બે ભાઈ અને બે બહેનો છે. ગુલશનની 18 વર્ષીય નાની બહેન એથ્લેટ છે. તે 1500 મીટરની લોન્ગ રેસર છે. તેણીએ પણ નેશનલ લેવલે મેડલ જીત્યો છે. ગુલશનની આ બહેનને ઈન્ટરનેશનલ લેવલે મેડલ જીતવાની ઈચ્છા છે. ગુલશન તેની નાની બહેનને શક્ય તેટલી મદદ કરી રહી છે. ગુલશનના નાના ભાઈઓ અભ્યાસ કરે છે અને તેના માતા ગૃહિણી છે. ગુલશના પિતાજી ડ્રાઈવર છે. જેમણે ખૂબ સંઘર્ષ કરી ગુલશનને અહીં સુધી પહોંચાડી છે.
ગુલશનના પ્રેરણા સ્ત્રોતઃ ગુલશન પોતાના પ્રેરણા સ્ત્રોત તરીકે પોતાના એક પેરા ઓલ્મપિયન મિત્ર અંકુર ધામાનું નામ આપે છે. અંકુરે બહુ મહેનત કરીને નામના મેળવી છે તેમજ ગુલશનને આગળ વધારવા પણ સહાય કરી છે. બીજા એક ઓલ્મપિયન મેડાલિસ્ટ પ્રવિણકુમાર પણ મારા પ્રેરણા સ્ત્રોત છે. પ્રવિણકુમાર હાઈ જમ્પમાં મેડલ જીત્યા છે. આ ખેલાડી પણ મારા અંગત મિત્ર છે.
પારુલ ચૌધરીની જેમ જીતવો છે મેડલઃ તાજેતરમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ઉત્તર પ્રદેશની દીકરી પારુલે મેડલ મેળવીને ઉત્તર પ્રદેશનું નામ રોશન કર્યુ હતું. હું પણ પારુલ ચૌધરીની જેમ મારા માટે, પરિવાર માટે, ઉત્તર પ્રદેશ માટે અને સમગ્ર દેશ માટે મેડલ મેળવવાનો પ્રયત્ન કરીશ.
મિશન શક્તિ યોજનાની લાભાર્થીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહિલા શસક્તિકરણ માટે અનેક યોજના ચલાવે છે જે પૈકીની એક છે મિશન શક્તિ. આ યોજના હેઠળ અમારા જેવા ખેલાડીઓને પણ લાભ મળી રહ્યા છે. હું ઈચ્છું છું કે સરકાર આ જ રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપતી રહે. આ સહયોગ અને પ્રોત્સાહનને પરિણામે અમે ઉત્તર પ્રદેશ અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરી શકીશું.