અમદાવાદ : ગુજરાત પોલીસ દ્વારા શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રેશન નેટવર્ક અને એજન્ટની સંડોવણીનો પર્દાફાશ કરવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ફ્રાન્સથી મુંબઈમાં ઉતરેલા વિમાનના મુસાફરો સાથે સંકલન કરશે, આ પ્લેનના ઘણા મુસાફરો ગુજરાતના છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. એરબસ A340 એરક્રાફ્ટમાં 276 મુસાફરો હતા, જેમાં મોટાભાગે ભારતીય હતા. આ વિમાનને શંકાસ્પદ માનવ તસ્કરીની આશંકાના કારણે ફ્રાન્સમાં ચાર દિવસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. બાદમાં મંગળવારના રોજ વહેલી સવારે આ વિમાન મુંબઈ પરત પહોંચ્યું હતું.
ગુજરાત પોલીસનું મિશન : CID ક્રાઈમના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે, સીઆઈડી ક્રાઈમ એવા એજન્ટો સામે કાર્યવાહી કરવા માંગે છે કે જેમણે પીડિતોને યુએસ અને અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે મદદનું વચન આપ્યું હતું. અમે ચાર ટીમો બનાવી છે જે આ એજન્ટો દ્વારા પીડિતોને આપેલા વાયદા અંગે માહિતી મેળવશે. ફ્રાન્સથી પરત ફરેલા ચાર્ટર્ડ પ્લેનમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. જ્યારે તેઓ મુંબઈથી ગુજરાત પહોંચશે ત્યારે પોલીસ મુસાફરો સાથે સંકલન કરશે. આ રેકેટમાં સામેલ એજન્ટ અને એજન્સીઓને શોધવા માટે અને યુએસ અને અન્ય દેશોમાં સ્થળાંતર કરવા માટે તેમને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હતા કે કેમ તે અંગે માહિતી મેળવશે.
ભારતીયોને ફસાવનાર એજન્ટ કોણ ? સંજય ખરાતે વધુમાં કહ્યું કે, તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે આ રીતે કેટલા લોકોને વિદેશમાં લઈ જવામાં આવ્યા છે અને કોણ આ રીતે મુસાફરી કરવા માંગે છે. સીઆઈડીને અત્યાર સુધીમાં આ ઘટનામાં સામેલ એજન્ટો વિશે છૂટક અને કાચી માહિતી મળી છે અને તે સંબંધિત મુસાફરોની પૂછપરછ કર્યા પછી જ વધુ માહિતી મેળવી શકશે. અલગ-અલગ એજન્ટો સાથે મળીને ગેરકાયદેસર ઇમિગ્રેશનના કામમાં સામેલ છે. ગામડા અને જિલ્લા સ્તરે કામ કરતા એજન્ટો નાના ખેલાડીઓ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કિંગપિન દ્વારા નિયંત્રિત થાય છે. ગુજરાત પોલીસ આ અંગે તપાસ કરશે અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તેનું સ્પષ્ટ ચિત્ર મેળવશે.
પોલીસ તપાસ : સંજય ખરાતે જણાવ્યું હતું કે, વિવિધ એજન્સીઓ સ્થળાંતર કરવા માંગતા વ્યક્તિઓની જરૂરિયાતોને આધારે અલગ-અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે, જેમ કે તેમને બનાવટી દસ્તાવેજોની જરૂર છે કે કેમ અને તે મુજબ રેટ નક્કી કરવામાં આવે છે. પીડિતોની પૂછપરછ કરવામાં આવશે અને પોલીસ મુખ્ય વ્યક્તિ સુધી પહોંચશે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ઈમિગ્રેશન ઓથોરીટીએ 276 મુસાફરોમાંથી કેટલાકની પૂછપરછ કરી હતી. જોકે કોઈપણ મુસાફરની અટકાયત કરવામાં આવી ન હતી. ઉપરાંત તમામને મંગળવારના રોજ સવારે 11.30 વાગ્યા સુધીમાં એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવી હતી.
શું હતો મામલો ? રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ચાર્ટર્ડ ફ્લાઇટ નિકારાગુઆ જતી હતી. આ ફ્લાઇટ ગુરુવારના રોજ પેરિસ નજીક વેટ્રી ખાતે ટેકનીકલ સ્ટોપઓવર માટે ઉતરી હતી. ત્યારે ફ્રેન્ચ પોલીસે દરમિયાનગીરી કરી હતી. ઉપરાંત ફ્રાન્સના સત્તાવાળાઓએ શંકાસ્પદ માનવ તસ્કરીની તપાસ કરતા સંગઠિત અપરાધમાં વિશેષતા ધરાવતા યુનિટ સાથે પ્રવાસની શરતો અને હેતુ અંગે ન્યાયિક તપાસ શરૂ કરી.