અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં PMO ના ડાયરેક્ટર બનીને મહેમાનગતિ માણનાર મહાઠગ કિરણ પટેલ અંતે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં પહોંચી ગયો છે. વિમાનમાં અને બુલેટ પ્રુફ ગાડીઓમાં ફરનાર કિરણ પટેલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગાડીમાં 36 કલાકથી વધુ સમય મુસાફરી કરીને અમદાવાદ પહોંચી ગયો છે. ભલભલા ગુનેગાર જે જગ્યાએ પોતાના ન કરેલા ગુનાની પણ કબુલાત કરી નાખતા હોય તેવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં કિરણ પટેલના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાશે.
મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો: જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર બનીને ઉચ્ચ અધિકારી તરીકેના લાભ લઈને ઠાઠ માઠ માટે સાથે ફરતો કિરણ પટેલ હવે એક ગુનેગારની જેમ ક્રાઈમ બ્રાન્ચના શકંજામાં ફસાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી હતી અને હવે અંતે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને તેને અમદાવાદ લાવવા માટે જમ્મુ કાશ્મીર ટીમ રવાના થઈ હતી. કિરણ પટેલને મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે અને તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી છે. સાથે જ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવશે.
Pm Modi Tamilnadu Visit: આજે તમિલનાડુમાં વડાપ્રધાન મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન
કરોડોનો બંગલો રીનોવેશનના નામે ઠગાઈ: કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શીલજ ખાતે આવેલો તેઓનો કરોડોનો બંગલો રીનોવેશનના નામે લઈ લાખો રૂપિયા ફરિયાદી પાસે લીધા બાદ તે બંગલો પોતાનો હોય તેમ બંગલાની બહાર પોતાની નેમ પ્લેટ લગાવી અને વાસ્તુ પૂજા કરી તેનું આમંત્રણ કાર્ડ છપાવી લીધુ હતુ. આમંત્રણ કાર્ડ લોકોને આપી ફરિયાદીનો બંગલો પોતાનો હોવાનો દાવો કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Sharad Pawar's on Hindenburg report: હિંડનબર્ગ અદાણી કેસમાં શરદ પવાર આ શુ બોલી ગયા?
મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં આંટાફેરા: કિરણ પટેલ છેલ્લા અમુક મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં આંટાફેરા કરી રહ્યો હતો અને પોતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેક્ટર જેવા ઉંચા હોદા ઉપર હોવાની ઓળખાણ આપી જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ તેમજ અલગ અલગ વેપારીઓ સાથે મીટીંગો કરી હતી. તેમજ IAS IPS અધિકારીઓ સાથે પણ બેઠકો કરીને અલગ અલગ પ્રોજેક્ટ અંગે મોટી મોટી વાતો કરી હતી. જો કે ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ જમ્મુ કાશ્મીર પોલીસને જાણ થઈ હતી કે, કિરણ પટેલ કોઈપણ સરકારી કચેરી સાથે સંકળાયેલો નથી અને તે બોગસ સરકારી અધિકારી બનીને વૈભવી સુવિધાઓ મેળવી રહ્યો છે. જેથી તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને તે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ હતો. રવિવારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બાય રોડ જમ્મુ કશ્મીર ખાતે ગઈ હતી અને ટ્રાન્સફર વોરંટની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને જમ્મુ કશ્મીરથી બાય રોડ અમદાવાદ આવી પહોંચી છે.
આ મુદ્દાઓ પર કિરણ પટેલની થઈ શકે છે તપાસ
- શીલજનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવા મામલે
- મણિનગરમાં સરકારી આઈકાર્ડ બનાવવા અંગે
- નરોડામાં નોંધાયેલા છેતરપીંડીના ગુના મામલે
- વડોદરામાં ગરબા આયોજનના નામે ઠગાઈ મામલે
- ઘોડાસરના મકાન માલિકને 4 વર્ષનું ભાડુ ન આપી છેતરપીંડી કરવા અંગે
- બાયડમાં થયેલી છેતરપીંડી મામલે
પત્ની માલિની પટેલ સામે પણ ફરિયાદ: આગામી દિવસોમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અન્ય ફરિયાદ પણ નોંધાઈ શકે છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કિરણ પટેલના 15 દિવસના રિમાન્ડની માગ કરશે અને રિમાન્ડ દરમિયાન તેણે કરેલી ઠગાઈ મામલે તેણે કોની કોની મદદ લીધી, અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર માલીની પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને રિમાન્ડ મેળવ્યા હતા, જે રિમાન્ડ પૂર્ણ થતા હાલ તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવી હતી.