કોચીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓમેન ચાંડી, જેમણે કેરળના મુખ્ય પ્રધાન તરીકે બે વાર સેવા આપી હતી. તેમનું મંગળવારે વહેલી સવારે બેંગલુરુમાં અવસાન થયું હતું. આ વાત એમના પરિવારજનોએ જણાવી હતી. તેઓ 79 વર્ષના હતા. કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના મૃત્યુની જાહેરાત તેમના પુત્ર ચાંડી ઓમેને ફેસબુક પોસ્ટમાં કરી હતી. "અપ્પાનું અવસાન થયું".
ફેસબુક પોસ્ટઃ ઓમેને તેના ફેસબુક પેજ પર વિસ્તૃત વર્ણન કર્યા વિના આ વાત લખવામાં આવી છે. એમની તબિયત ઘણા સમયથી યોગ્ય ન હતી. તે સ્વાસ્થ્ય સુવિધામાં સારવાર માટે બેંગલુરુમાં લાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. વર્ષ 1970માં તેમણે પોતાના રાજકીય કરિયરની શરૂઆત એક ધારાસભ્ય તરીકે કરી હતી. એ પછી તેઓ સતત રાજકીય લોબીમાં સક્રિય રહ્યા હતા.
ધારાસભ્યથી શરૂઆતઃ તેઓ પોતાના વતન પુથ્થુપલ્લી જે કોટ્ટાયમ જિલ્લામાં આવેલું છે ત્યાંથી રાજકીય નેતા તરીકે ઊભા રહ્યા હતા. સતત 12 વખતે તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2004થી 2006 સુધી તેમણે મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. એ પછી વર્ષ 2011થી 2016 સુધી તેઓ બીજી વખત મુખ્યપ્રધાન પદે રહ્યા હતા. મુખ્યપ્રધાન પદે રહ્યા બાદ તેમણે સતત લોકલક્ષી યોજનાઓ પર ધ્યાન આપીને તેઓ સતત લોકોની વચ્ચે રહ્યા હતા.
અન્ય પોર્ટફોલિયોઃ કે. કરૂણાકરણ અને એ.કે. એન્ટોનીની સરકારમાં તેમણે નાણા, ગૃહ અને શ્રમક મંત્રાલય સંભાળ્યા હતા. વર્ષ 2006થી 2011 સુધી તેઓ વિપક્ષના એક મજબુત નેતા તરીકે કેરળમાં સક્રિય રહ્યા હતા. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પત્નીનું નામ મરીઅમ્મા છે જ્યારે દીકરીનું નામ મારીયા છે. જ્યારે બીજી દીકરીનું નામ અચ્ચું છે. મંગળવારે પિતાના અવસાનના વાવડ મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પહેલી વખત તેઓ ધારાસભ્ય તરીકે પદ પર આવ્યા એ સમયે એમની ઉંમર 27 વર્ષની હતી.