નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ પ્રતિભા સિંહની બેન્ચ આ અરજી પર 18 જાન્યુઆરીએ સુનાવણી કરશે. ધોની સામે માનહાનિની અરજી તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે દાખલ કરી છે.
મિત્રોએ માનહાનિનો કેસ કર્યો : અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ધોની અરજીકર્તાઓ પર તેમની વચ્ચે 2017માં થયેલા કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે ધોનીએ 6 જાન્યુઆરી, 2024ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે અરજદારે તેની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે ધોનીએ દિવાકર અને સૌમ્ય દાસ વિરુદ્ધ રાંચીમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. રાંચીની કોર્ટ આ મામલે કોઈ આદેશ આપે તે પહેલા ધોની વતી તેના વકીલ દયાનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખોટા અને મનઘડત આરોપો લગાવ્યા છે.
આક્ષેપો ન કરવા જણાવ્યું : માનહાનિની અરજીમાં માગણી કરવામાં આવી છે કે ધોની અને તેના લોકોને દિવાકર અને સૌમ્ય દાસ વિરુદ્ધ આવા આક્ષેપો કરતા નિવેદનો કરવાથી રોકવામાં આવે. આ ઉપરાંત પિટિશનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, ગૂગલ, યુટ્યુબ, મેટા અને કેટલાક ન્યૂઝ પ્લેટફોર્મને આવા સમાચાર પ્રસારિત કરવાથી રોકવાની માંગ કરવામાં આવી છે. અરજદાર દિવાકર આ પહેલા અંડર-19 વર્લ્ડ કપ 2000માં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
આ પ્રકારનો કરાર કરાયો હતો : ઉલ્લેખનીય છે કે મિહિર દિવાકર અને સૌમ્ય દાસ અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નામની કંપની ચલાવે છે. અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને ધોની વચ્ચે 2017માં કરાર થયો હતો. આ કરાર હેઠળ ભારત અને સમગ્ર વિશ્વમાં ક્રિકેટ એકેડમીની સ્થાપના કરવાની વાત થઈ હતી.