નવી દિલ્હી: ઉત્તર દિલ્હીના મુખર્જીનગરમાં આવેલા કોચિંગ સેન્ટરમાં ગુરુવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. કોચિંગમાં ક્લાસ ચાલુ હતા અને સેંકડો વિદ્યાર્થીઓ અલગ-અલગ રૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતા જ નાસભાગનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા માટે છોકરા-છોકરીઓ બિલ્ડીંગના ત્રીજા માળે સ્થિત કોચિંગ સેન્ટરની બારીમાંથી દોરડાની મદદથી નીચે આવવા લાગ્યા હતા.
કોચિંગ સેન્ટરમાં આગ: કોચિંગ સેન્ટરમાં ઈલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટ અને વાયરમાં આગ લાગી હતી. ઘટનાના માહિતી મળતાની સાથે જ CATS એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાકિદે આગ ઓલવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ઉપરાંત રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી.
આગ લાગ્યા બાદ ધુમાડાના ફુગ્ગાને કારણે વિદ્યાર્થીઓનો ગૂંગળામણ થવા લાગી અને તેનાથી અફરાતફરી ફેલાઈ ગઈ હતી. સીડી પરથી નીચે ઉતરવાનો રસ્તો ન મળતા છોકરા-છોકરીઓએ વર્ગખંડની બારીમાંથી દોરડું નીચે ફેંક્યું હતું. તેની મદદથી નીચે ઉતરવા લાગ્યા અને બધાએ એકબીજાને મદદ કરી હતી. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરનાર ચાર વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. --- સુમન નલવા (દિલ્હી પોલીસ પ્રવક્તા)
ત્રીજા માળેથી કુદ્યા: મુખર્જીનગરનું 'સંસ્કૃતિ' કોચિંગ સેન્ટર ત્રીજા માળે આવેલું છે. અન્ય દિવસોની જેમ અહીં પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અભ્યાસ કરવા આવતા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, તમામ બાળકો સુરક્ષિત છે. મુખર્જીનગરનો વિસ્તાર જ્યાં આ કોચિંગ સેન્ટર આવેલું છે તે ખૂબ જ વ્યસ્ત છે. જેના કારણે ભારે અફરાતફરી સર્જાઇ હતી.