નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરીથી ગુજરાતના ફેક એન્કાઉન્ટર મુદ્દે સુનાવણી કરવાનું નક્કી કર્યુ છે. આવતા અઠવાડિયે સુપ્રીમ ગુજરાતના વર્ષ 2002થી 06 વચ્ચે થયેલા ફેક એન્કાઉન્ટરની અરજીઓ પર સુનાવણી કરશે. રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલે તુષાર મહેતાએ જ્યારે અરજીકર્તા તરફથી કેસ સ્થગિત કરતો પત્ર રજૂ કરતા ન્યાયાધિશ સંજય કિશન કૌલ, સુધાંશુ ધૂલિયાની બેન્ચે કેસની કાર્યવાહી સ્થગિત કરી દીધી.
અરજદાર બી.જી. વર્ગીસ મૃત્યુ પામ્યા છેઃ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ફેક એન્કાઉન્ટરની અરજીઓનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી કરતા હતા. જેઓ નાદુરસ્ત તબિયતને લીધે હાજર રહ્યા નથી. કથિત ફેક એન્કાઉન્ટરની તપાસની માંગણી કરતી અરજી વરિષ્ઠ પત્રકાર બી.જી. વર્ગીસ અને ગીતકાર જાવેદ અખ્તરે 2007માં દાખલ કરી હતી. બી.જી. વર્ગીસ 2014માં મૃત્યુ પામ્યા છે.
17 ફેક એન્કાઉન્ટરની તપાસઃ સુપ્રીમ કોર્ટે વર્ષ 2002થી 2007 દરમિયાન થયેલ 17 કથિત ફેક એન્કાઉન્ટરની તપાસ સમિતિ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એચ.એસ. બેદીની અધ્યક્ષતા હેઠળ રચી હતી. બેદી સમિતિએ 2019માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ એક સીલબંધ કવરમાં સોંપ્યો હતો.
બેદી સમિતિનો રિપોર્ટઃ સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2022ના રોજ જણાવ્યું કે બેદી સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તેના અનુસંધાને તપાસની બારીકીઓમાં કોઈ બાબત બાકી તો રહેતી નથી અને આ વિષયમાં કોઈ આદેશ કરવાની જરૂર છે કે નહીં.