- જમ્મુ કાશ્મીરમાં DDC ચૂંટણી 8 તબક્કામાં યોજાશે
- પ્રથમ તબક્કામાં 207 પુરૂષ અને 89 મહિલા ઉમેદવારો સહિત કુલ 296 ઉમેદવારો
- પંચ પેટા ચૂંટણીમાં 368 મતવિસ્તારમાં કુલ 852 ઉમેદવારો મેદાનમાં
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજ્ય ચૂંટણી કમિશનર કે.કે. શર્માએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને DDCની ચૂંટણીઓ અને પંચ / સરપંચોની પેટા-ચૂંટણીઓની સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થા અંગે મીડિયાને માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં કુલ 280 મતવિસ્તાર
જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ વિશે વિગતો આપતાં ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કુલ 280 મતવિસ્તાર છે, જેમાંથી 43 મતવિસ્તારો પ્રથમ તબક્કામાં સવારે 7 કલાકથી બપોરે 2 કલાક સુધી મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 207 પુરૂષ અને 89 મહિલા ઉમેદવારો સહિત કુલ 296 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
279 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
સરપંચોની પેટાચૂંટણી અંગે કે. કે. શર્માએ જણાવ્યું હતું કે, 94 મત વિસ્તારોમાં સરપંચોની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં કુલ 279 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 203 પુરૂષો અને 76 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ સાથે પંચ પેટા ચૂંટણીમાં 368 મતવિસ્તારમાં કુલ 852 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 635 પુરૂષ અને 217 મહિલા ઉમેદવારો છે. 36 સરપંચો સહિત 768 પંચો બિનહરીફ ચૂંટાયા છે.
67 લાખ માન્ય મતદારો
રાજ્યના ચૂંટણી કમિશનરે વધુમાં માહિતી આપી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં કુલ 67 લાખ માન્ય મતદારો છે. જેમાંથી 7 લાખ મતદારો પ્રથમ તબક્કામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે તેમને જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી સરળતાથી યોજવા માટે 2,146 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી, મેન પાવર, ચૂંટણી સામગ્રી અને સુરક્ષા વ્યવસ્થા સંબંધિત તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઇ ચુકી છે. સુરક્ષા દળો દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે
જિલ્લા વિકાસ પરિષદની પ્રથમ ચૂંટણીઓ 8 તબક્કામાં યોજાશે. જેમાં 20 જિલ્લામાં 20 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી 280 સભ્યોની પસંદગી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટાયેલી સરકારની ગેરહાજરીમાં, આ કાઉન્સિલ્સ આ ક્ષેત્રમાં વહીવટનું નવું એકમ બનશે. નેશનલ કોન્ફરન્સ (NC) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) વર્ષ 2018ની પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરતી મોટી પ્રાદેશિક પાર્ટીઓ હતી. જે ગુપકર મેનિફેસ્ટો એલાયન્સ (PAGD)ના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી છે.